- સાબરમતી નદીના પાણીનો કલર બદલાયો
- નદીમાં લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે
- લીલના કારણે નદીમાંથી દુર્ગંધ આવી રહી છે
એક તરફ અમદાવાદમાં નદીના સફાઈ અંગેની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ હોય તેવું લાગે છે. છેલ્લા થોડાં દિવસોથી સાબરમતી નદીના બંને છેડે લીલ જોવા મળી રહી છે. નદીમાં આવેલ લીલના કારણે પાણીનો કલર બદલાયો છે. નદીમાં લીલાશ સાથે ગંદો કચરો પણ જોવા મળી રહ્યો છે.
હાલમાં થોડા દિવસ પહેલાં વરસાદના કારણે સાબરમતી નદીમાં નવા નીર જોવા મળી રહ્યા હતા ત્યારે હવે અમદાવાદ સાબરમતી નદીના પાણીનો રંગ બદલાયો છે. પાણીનો રંગ લીલો થઈ ગયો છે, સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય થઈ જતા નદીનું સૌંદર્ય હણાયું છે. નદીમાં છોડવામાં આવતા કેમિકલને કારણે નદી પ્રદૂષિત થઈ ગઈ છે.
એટલું જ નહીં દૂર-દૂર સુધી સાબરમતી નદીનું પાણી લીલુ લીલુ જોવા મળી રહ્યું છે. ચારેય બાજુ નદીમાં લીલ જોવા મળી રહી છે, જેના કારણે નદીમાંથી દુર્ગંધ આવી રહી છે. જેના કારણે રિવરફ્રન્ટ પર પણ લોકો ઊભા રહી ન શકે તેવી સ્થિતિ થઈ છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રિપોર્ટમાં ઉલ્લેખ થયો હતો કે, સાબરમતીનું પાણી પીવાલાયક નથી રહ્યું. સાબરમતી નદીની સફાય માટે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમ છતાં પણ સાબરમતી નદીની આ દશા થઇ છે. CPCBના રિપોર્ટમાં સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનો ઉલ્લેખ થયો હતો. સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો હતો.
નોંધનીય છે કે, CPCBના રિપોર્ટ ચેન્નાઈની કૂમ નદીને દેશની સૌથી પ્રદૂષિત નદી હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ગુજરાતની સાબરમતી નદી બીજા નંબર પર હોવાનું પણ સામે આવ્યં હતું. લોકસભામાં કેન્દ્રીય જળમંત્રાલયએ રિપોર્ટ રજૂ કર્યો હતો. જળમંત્રાલયના રિપોર્ટમાં ગુજરાતની 13 નદી પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કરાયો હતો.