- ખેડૂતોના હકનું સબસિડીવાળું યુરિયા ખાતર મળ્યું
- કાળાબજારમાં વેચી મારવાનું કૌભાંડ
- હજીરા પોર્ટ ઉપરથી મોકલવામાં આવી હતી
ખેડૂતોના હકના સબસીડીવાળા ખાતરનો સચિનની કેમિકલ કંપનીને મિલમાં વેચવા માટે કાળાબજારમાં વેચી મારનાર અમદાવાદ જિલ્લાની બારેજા સેવા સહકારી મંડળીના સેક્રેટરી, બિલ ક્લાર્ક, ગોડાઉન કીપર તથા તે માલ ખરીદનાર સચીનના કેમિકલ વેપારી અને ટ્રાન્સપોર્ટરની PBM હેઠળ ધરપકડ કરાઇ હતી.
પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે ગત 26મી માર્ચે ક્રાઇમ બ્રાન્ચે સચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં રેઇડ કરી હતી. અહીં ઝિયા કેમ ટેક્સના નામે કેમિકલનો ધંધો કરતો હિમાંશું મૂકેશચંદ્ર ભગતવાલા (રહે, રામદેવ નગર-2, પાલનપોર પાટીયા) ખેડૂતોને સરકાર દ્વારા સબસીડીમાં અપાતું યુરિયા ખાતર મિલ માલિકોને કાળા બજારમાં વેચી રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે ખેતીવાડી અધિકારીને સાથે રાખી રેડ કરતાં અહીંથી નીમ કોટેડ યુરિયા ખાતર એટલેકે સબસિડીવાળી 39 ગુણો મળી આવી હતી. તેમજ 541 ખાલી ગુણો મળી આવી હતી. ગુણોની ચકાસણી કરવામાં આવતાં તે અમદાવાદ જિલ્લાની બારેજા સેવા સહકારી મંડળીમાં હજીરા પોર્ટ ઉપરથી મોકલવામાં આવી હતી, આ સહકારી મંડળીમાં તપાસ કરવામાં આવતાં રજિસ્ટરમાં તો એન્ટ્રી બોલતી હતી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે આ ગુણો ક્યારેય ત્યાં સુધી પહોંચી જ ન હતી. બારોબાર હજીરાથી સુરત સચીન જી.આઇ.ડી.સી.માં પહોંચી હતી.