- સુપરિટેન્ડેન્ટ લીના ડાભી, RMO રજા પર
- અધિકારીઓ રજા પર તો બીજી તરફ કર્મચારીઓ બેફામ
- દર્દીઓ પાસેથી બક્ષીસના નામે પડાવી રહ્યાં છે નાણાં
અમદાવાદની L.G હોસ્પિટલમાં કામ કરતા કેટલાક કામદારોને દર્દીઓ પાસે બક્ષિસ માગવી મોંઘી પડી છે. બક્ષિસના નામે દર્દીઓને હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદ બાદ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદ બાદ L.G હોસ્પિટલના છ કામદારોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. બક્ષિસની માગ કરતો વીડિયો વાયરલ થયા બાદ ડેપ્યુટી કમિશનરે છ કામદારોને સસ્પેન્ડ કર્યા છે.
આ ઉપરાંત સતત દર્દીઓથી ધમધમતી હોસ્પિટલ રામ ભરોસે થઈ છે. જેના અધિકારીઓ રજા પર તો બીજી તરફ કર્મચારીઓ બેફામ બન્યા છે. થોડાં દિવસ અગાઉ L.G હોસ્પિટલમાં એક પ્રસુતા પાસે કામદારોએ બક્ષિસની માગ કરી હતી, પરંતુ બક્ષિસ ન મળતા પ્રસુતાને બેડ પર નિર્વસ્ત્ર હાલતમાં છોડી દીધી હતી.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં જોઇ શકાય છે કે કામદારો પ્રસુતાના પરિવાર પાસે બક્ષિસની માગ કરી રહ્યાં છે. કામદારો કહી રહ્યાં છે કે દીકરો હોય કે દીકરી બક્ષિસ તો આપવી જ પડે. અમારે અહીં બધુ જોવાનું હોય એટલે તમારે બક્ષિસ તો આપવી જ પડશે. જે આપશો તે ચાલશે પણ બક્ષિસ આપો.
જો કે પરિવારજનોએ બક્ષિસ ન આપતા આ કામદારો પ્રસુતાને બેડ પર નિર્વસ્ત્ર હાલતમાં છોડી જતા રહ્યા હતા. જેની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનરે છ કામદારોને સસ્પેન્ડ કર્યા છે. સુપરિટેન્ડેન્ટ લીના ડાભી, RMO રજા પર છે. એટલું જ નહીં અગાઉ પણ એલજી હોસ્પિટલની બેદરકારી મુદ્દે હાઇકોર્ટમાં અરજી થઈ હતી. જેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.