- ભાજપના સાંસદે શહેરનું નામ બદલવાથી હેરિટેજ ટેગ છીનવાઈ જશે તેવો ડર બતાવ્યો
- ‘કર્ણાવતી નામ કરવાની જીદ અને માગ ભાજપની જ હતી’
- વર્ષ 2017માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો
અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે, ઘણીવાર શહેરનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત કરાઇ હતી. હવે નામ બદલીએ તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જતો રહે. એમ અમદાવાદનું નામ કર્ણાવતી ન કરવા પાછળ સ્પષ્ટતા કરતા સાંસદ હસમુખ પટેલે જણાવ્યું છે. જોકે ભાજપના નેતાને અમદાવાદ શહેરનું નામ બદલવાથી હેરિટેજનો દરજ્જો ગુમાવવાનો ડર સતાવે છે, પરંતુ હેરિટેજ સ્થાપત્યોની જાળવણીમાં કોઇ રસ દેખાતો નથી. જેના લીધે શહેરના મોટાભાગના હેરિટેજ સ્થાપત્યો જર્જરિત કે બિસમાર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સરકારી તંત્ર પણ આ સ્થાપત્યોની જાળવણી માટે ‘કાગળ’ના બદલે ‘આગળ’ ક્યારે આવશે ? તે સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
વર્ષ 2017માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો ત્યારથી અમદાવાદ શહેર દેશ-વિદેશમાં નામના મેળવી છે. જેના લીધે શહેરમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ શહેરના હેરિટેજ સ્મારકોની જાળવણી કરવામાં સરકારી તંત્રને કોઈ રસ જ નથી. શહેરના ગણતરીના હેરિટેજ સ્થાપત્યોને બાદ કરતા માણેકચોકની જામા મસ્જિદ, બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, ત્રણ દરવાજા, પાંચકુવા, ઝૂલતા મિનારા, રાણી સિપ્રીની મસ્જિદ, ખાસ કરીને દાણાપીઠના મ્યુનિ. કોર્પોરેશનના પ્રાંગણમાં જ આવેલા હેરિટેજ મકબરા સહિતના સ્થાપત્યો પ્રત્યે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. જેના લીધે આ સ્થાપત્યો ક્યાંક જર્જરિત, ક્યાંક બિસ્માર હાલતમાં છે, કયાંક કોતરણી ભુસાઇ ગઈ છે તો કયાંક દબાણોની વચ્ચે આ સ્થાપત્યો ઢંકાઈ ગયા છે. આવા સ્થાપત્યોની જાળવણી અંગે સરકારી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. એટલે જે સ્થાપત્યોના લીધે અમદાવાદ શહેરનું નામ દેશ-વિદેશમાં થઇ રહ્યું છે, જેને જોવા માટે વિદેશી પ્રવાસીઓનો ઘસારો રહે છે. તેમ છતાંય સીદ્દી સૈયદની જાળી, ભદ્રનો કિલ્લો જેવા આંગળીના વેઢે ગણી શકાય તેવા સ્થાપત્યો બતાવીને સરકારી તંત્ર વાહવાહી લૂંટવામાં જ મસ્ત છે, પરંતુ મોટાભાગના હેરિટેજ સ્થાપત્યો પ્રત્યે તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. તેને જોતાં જાળવણીના અભાવે પણ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ક્યાંક છીનવાઇ જાય તેવી શક્યતા સેવાઇ રહી છે. પરંતુ અહીં ભાજપના નેતા નામ બદલવાથી હેરિટેજનો દરજ્જો ગુમાવવાનો ડર બતાવી રહ્યા છે. પરંતુ આ દરજ્જો જાળવી રાખવા માટે સ્થાપત્યોની જાળવણી કરવા તંત્રને તાકિદ ક્યારે કરશે ?
‘કર્ણાવતી નામ કરવાની જીદ અને માગ ભાજપની જ હતી’
અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની જીદ અને માગ ભાજપની જ હતી. સાંસદ હસમુખ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, વર્ષ 1995થી 2000માં કર્ણાવતી નામ કરવાની દરખાસ્ત મુકાઇ હતી, પરંતુ તેને રદ કરી દેવામાં આવી હતી. બાદમાં વર્ષ 2005માં શહેરને હેરિટેજ દરજ્જો મેળવવા માટે યુનેસ્કોમાં અરજી કરી હતી. નામ બદલીએ તો હેરિટેજનો દરજ્જો મળવામાં મુશ્કેલી ઊભી થાય તેમ હતી. 600 વર્ષ જૂના અમદાવાદ શહેરને હેરિટેજ દરજ્જો મળે તો પ્રવાસીઓમાં વધારો થાય અને લોકોને રોજગારી મળે એના માટે આપણે અમદાવાદ તરીકે હવે સ્વીકારી લીધું છે, હાલ નવી કોઈ માગ કરી નથી. જોકે વર્લ્ડ હેરિટેજ સિટી માટે ડોઝિયર બનાવ્યું તેમાં અમદાવાદનો ઉલ્લેખ હતો. એટલે ડોઝિયર પ્રમાણે અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી છે. હવે તેનું નામ બદલીને કર્ણાવતી કરીએ તો વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અમદાવાદને ગુમાવવો પડે તેમ છે.