- એટીએસના અધિકારીઓને સાથે રાખીને એનઆઈએ કેસની તપાસ કરશે
- ચારેય બાંગ્લાદેશીના સહયોગથી અલ-કાયદાનો અડ્ડો સ્થાપવાની યોજનાનો ચોંકાવનારો પર્દાફાશ
- ગુજરાત એટીએસે નારોલ અને ઓઢવમાંથી ઝડપી પાડયા હતા
રથયાત્રા પહેલાં આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર પ્રસાર કરવા સાથે ફ્ંડ એકત્ર કરી બાંગ્લાદેશ મોકલતા ચાર આતંકીઓને ગુજરાત એટીએસે નારોલ અને ઓઢવમાંથી ઝડપી પાડયા હતા. ચારેય આતંકીઓ ખોટા દસ્તાવેજો બનાવીને કાપડ તેમજ અન્ય કારખાનામાં નોકરી કરતા હતા. આ આતંકીઓ ગુજરાત, યુપી, એમપી અને રાજસ્થાનમાં મુસ્લિમ યુવાનોને ફ્સાવીને કટ્ટરપંથી બનાવવા માટે મિશન ચલાવતા હતા. તેમજ બે વ્યક્તિઓને આતંકી સંગઠનમાં જોડયા હોવાનું સામે આવ્યું હતું. બનાવની ગંભીરતા જોતા આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી છે. જેમાં એટીએસના અધિકારીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવશે.
રખિયાલ, ઓઢવ અને નારોલમાં ગુજરાત એટીએસની ટીમે વોચ ગોઠવીને રખિયાલમાં સુખરામ એસ્ટેટમાં કાપડના ગોડાઉનમાંથી મોહમ્મદ સોજીબમીંયા અહેમદઅલીને દબોચી લીધો હતો. તે બાંગ્લાદેશનો રહેવાસી છે. તે બાંગ્લાદેશમાં અલકાયદાના હેન્ડલર શરીફ્ુલ ઇસ્લામ સાથે સંપર્કમાં હતો અને તેણે અલકાયદામાં જોડાવવા સોજીબમીંયાને પ્રેરણા આપી હતી. અલકાયદાના બાંગ્લાદેશના જિલ્લા પ્રમુખ શાયબા નામના આતંકી સાથે સંપર્ક કર્યો હતો. શાયબા દ્વારા સોજીબમીંયાને ટ્રેનિંગ આપીને ભારત મોકલ્યો હતો. સોજીબમીંયા ભારતના મુસ્લિમ યુવાનોને ફ્સાવી, કટ્ટરપંથી બનાવવાનું કામ કરતો હતો. એટીએસની ટીમો અન્ય રાજ્યોમાં તપાસ કરી રહી છે. કેટલાક યુવાનોને અફ્ઘાનિસ્તાનમાં તાલીમ માટે મોકલીને અલકાયદાનો અડ્ડો સ્થાપવાની યોજના હતી. આ અંગે બાંગ્લાદેશ દૂતાવાસને જાણ કરાઈ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA, RAW, IB, NTRO, MI, DIA અને NIAના ગુપ્તચર કેન્દ્રના અધિકારીઓએ બાંગ્લાદેશ દૂતાવાસને અલ-કાયદા મોડયુલની હાજરી વિશે સૂચના આપી છે.