- ભેજના ઊંચા પ્રમાણના કારણે અસહ્ય બફારો, લોકો પરસેવે નહાયા
- આખો દિવસ ગરમ પવન ફૂંકાતા લોકો શેકાયા,
- ગાંધીનગરમાં પણ 42.5 ડિગ્રી ગરમી
સૌરાષ્ટ્ર સહિત રાજ્યનાં વિવિધ વિસ્તારમાં તાપમાનનો પારો નીચે ઉતર્યો છે પરંતુ હજુ અમદાવાદ અને ગાંધીનગરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ શહેરમાં આજે 43.2 ડિગ્રી તાપમાન નોંધાતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતુ. આ સિવાય ગાંધીનગરમાં પણ તાપમાન 42.5 ડિગ્રીએ પહોચી જતાં યલો એલર્ટ જાહેર થયું હતુ. જોકે હવે આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડશે તેવું હવામાન વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે.
આજે બુધવારે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ગરમ પવન ફૂંકાતા લોકો શેકાયા હતા. ચાલુ વર્ષે રાજ્યમાં ઉનાળાના પ્રારંભથી જ સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ નોર્મલ થતાં ઉનાળાની કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યાં છે. પરંતુ ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવા સંકેતો અપાયાં છે. આજે બુધવારે પણ કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી છાંટા પડયાં હતા.