- સેટેલાઇટમાં ડોક્ટરને તેના દર્દીના પરિવારે ચુનો લગાવ્યો
- સોનાના બિસ્કિટ પર હોલમાર્ક લગાવવાના બહાને છેતરપિંડી
- એક કિલોના 10 બિસ્કિટ લઈને સોની દંપતી ફરાર થયુ
સેટેલાઇટમાં ડોક્ટરને તેના દર્દીના પરિવારે ચુનો લગાવ્યો છે. જેમાં સોનાના બિસ્કિટ પર હોલમાર્ક લગાવવાના બહાને એક કિલોના 10 બિસ્કિટ લઈને સોની દંપતી ફરાર થયુ છે. તેથી પોલીસે દંપતી સહિત 3 વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ડોક્ટરને દર્દીના પરિવારે જ 59 લાખનો ચુનો લગાવ્યો
સેટેલાઇટમાં ડોક્ટરને દર્દીના પરિવારે જ 59 લાખનો ચુનો લગાવ્યો છે. નહેરુનગરમાં ડાયાબિટીસ કેર એન્ડ હોર્મોન્સ ક્લિનિક ચલાવતા ડોક્ટર બંસીલાલ સાબુએ ફરિયાદ નોંધાવી છે કે તેમના એક દર્દી શાંતિલાલ સોનીના પુત્ર ભરત સોની, કીર્તિ સોની અને પુત્રવધુ મનીષા સોનીએ સોનાના બિસ્કીટ પર હોલમાર્ક કરવાના બહાને રૂપિયા 59.50 લાખની છેતરપિંડી કરી છે. ડોક્ટર પરિવારને આરોપીઓએ 59 હજાર 500માં એક તોલાના ભાવે સોનુ વેચ્યું હતું. જેથી ડોક્ટરે એક કિલો સોનું આરોપીઓ પાસેથી ખરીદ્યું પરંતુ સોનાના બિસ્કીટ ઉપર હોલમાર્ક નહીં હોવાથી આરોપીઓ હોલમાર્ક કરી આપવાનું કહીને સોનાના બિસ્કીટ પરત લઈ ગયા હતા અને ફરાર થઈ જતા સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
માણેકચોકમાં જર્મન સિલ્વર માર્ક નામની સોના ચાંદીની દુકાન હતી
આરોપી ભરત સોની અને કીર્તિ સોનીની માણેકચોકમાં જર્મન સિલ્વર માર્ક નામની સોના ચાંદીની દુકાન હતી. જેથી ડોક્ટર બંસીલાલ સાબુને સોનુ ખરીદવું હતું એટલે ભરત સોની સાથે ચર્ચા કરી. આરોપી ભરત સોનીના પિતા શાંતિલાલનો ઈલાજ ડોક્ટર બંસીલાલની ક્લિનિકમાં ચાલતો હતો. તેઓ સોની પરિવારના ફેમિલી ડોક્ટર હતા. પરંતુ આ દર્દીના પરિવાર જ ડોક્ટરની ચૂનો લગાવ્યો છે. એક કિલોના 10 બિસ્કીટ વેચી પૈસા મેળવ્યા અને સોનાના બિસ્કીટ ઉપર હોલમાર્ક લગાવવાના બહાને બિસ્કીટ પણ લઈને ફરાર થઈ ગયા છે. આરોપી ભરત સોની દુબઈ ફરાર થઈ ગયો હોવાની શક્યતાના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. સોની પરિવારે ડોક્ટર સાથે કરેલી ઠગાઈ કેસમાં આરોપીઓના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ ઠગાઈ કેસમાં ત્રણેય આરોપી ફરાર થઈ જતા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.