- અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં પલટો
- ચાર દિવસ ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન ફૂંકાવાના સંકેતો
- અન્ય વિસ્તારોમાં પવન ફૂંકાવાની શક્યતા છે.
અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારનો રોજ ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાના પણ હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પ્રતિકલાક 30થી 40 કિ.મી.ની ઝડપે અને કેટલાક વિસ્તારમાં તો 50 કિ.મી.ની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા મોડી સાંજે ભર ચોમાસા જેવો ધાધમાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય શહેરમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારમાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. આ વખતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહતિના વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સતત વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. જોકે હજુ આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન રાજ્યના વાતાવરણમાં સતત પલટો રહે તેવા હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. આગાહી મુજબ રવિવારે બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, ડાંગ અને તાપી તેમજ ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. અન્ય વિસ્તારોમાં પવન ફૂંકાવાની શક્યતા છે.