- કોંગ્રેસની હાલત ફરી એક સાંધો ત્યાં તેર તૂટે જેવી થવાની તૈયારીમાં
- ચાવડા પોતાના જ પક્ષના ધારાસભ્યોને રક્ષણ આપી શકતાં નથી
- અમિત ચાવડાથી કેટલાક ધારાસભ્યો ભારોભાર નારાજ છે
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાથી કેટલાક ધારાસભ્યો ભારોભાર નારાજ છે, પોતાના જ ધારાસભ્યોને પ્રોટેક્શન પૂરું પાડવામાં ચાવડા નિષ્ફળ નીવડયા છે, આ સંજોગોમાં આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસના ત્રણથી ચાર જેટલા ધારાસભ્યો વિધિવત્ રીતે ભાજપમાં કેસરિયો ખેસ ધારણ કરવાના છે. આમેય છેલ્લે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 77 બેઠકો પરથી માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી, હવે લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એક વાર એક સાંધો ત્યાં તેર તૂટે જેવી કોંગ્રેસની હાલત થવાનો સ્પષ્ટ વર્તારો છે.
સૂત્રો કહે છે કે, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાની કામ કરવાની રીત-રસમથી ખુદ કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો ખફા છે, જેને લઈ અંદરો અંદર ગણગણાટ વહેતો થયો છે કે, પક્ષ પ્રમુખ પદે રહ્યા ત્યારથી ગુજરાત કોંગ્રેસની ઘોર ખોદાઈ છે અને હવે રહ્યા સહ્યા ધારાસભ્યો પણ ભાજપ ભેગા થવાની તૈયારીમાં છે, આ સંજોગોમાં કોંગ્રેસ હાઈકમાન્ડે તાત્કાલિક નવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા જાહેર કરવા જોઈએ. વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોનો સૂર છે કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષ નેતા સમક્ષ અમે માગ કરી હતી કે, વિધાનસભાની ચૂંટણીમાં જેમણે ગદ્દારી કરી છે, પક્ષમાં રહીને વિરુદ્ધમાં કામ કર્યું છે તેમને તાત્કાલિક કોંગ્રેસ પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ, જોકે મોટા ભાગના કિસ્સામાં તેમની માગણી સંતોષાઈ નથી. શરૂઆતમાં મૌખિક માગણી કરી ત્યારે નેતાઓ એમ કહેતાં હતા કે, લેખિતમાં આપો, એ પછી નામજોગ લેખિતમાં ફરિયાદ કરાઈ તેમ છતાં પક્ષના ગદ્દારો સામે કોઈ પગલાં ન લેવાતાં ધારાસભ્યોમાં રોષ છે, વિધાનસભા વિપક્ષ નેતા સમક્ષ પણ આ અંગે રજૂઆતો થઈ હતી, પણ ધારાસભ્યોની આ લાગણી હજુ સુધી સંતોષી શકાઈ નથી. રોષે ભરાયેલા કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે, પગલાં જ નહોતા લેવા હતા તો પછી શું કામ લેખિત ફરિયાદ કરાવવામાં આવી? આમ કોંગ્રેસના નેતાથી ત્રાસીને નાછુટકે કેટલાક ધારાસભ્યોએ ભાજપમાં જવાનું મન બનાવી લીધું છે અને હવે તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે.