- અમૃતસરથી રાત્રે 8.01 વાગ્યે ટેકઓફ થયા બાદ ફ્લાઇટ ભૂલી પડી ગઈ હતી
- ઈન્ડિગોની ફ્લાઇટ પાકિસ્તાન એરસ્પેસમાં 31 મિનિટ ફરીને ભારતમાં પરત ફરી
- મે મહિનામાં PIAનું વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું
ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E645 શનિવારે પંજાબના અમૃતસર એરપોર્ટ પરથી ટેકઓફ્ કર્યા બાદ ખરાબ હવામાનના કારણે પાકિસ્તાન એરસ્પેસ પર પહોંચી ગઈ હતી. ફ્લાઇટ લગભગ 31 મિનિટ સુધી પાકિસ્તાની એર સ્પેસમાં ઊડતી રહી જે બાદ તે સુરક્ષિત ભારતીય એરસ્પેસમાં પરત ફરી હતી.
ઈન્ડિગોની ફ્લાઇટ શનિવારે રાત્રે અમૃતસર એરપોર્ટ પરથી રાત્રીના 8.01 વાગે અમદાવાદ આવવા ટેકઓફ થઈ હતી. પરંતુ થોડીવારમાં જ હવામાન ખરાબ થઈ ગયું હતું. જે પગલે પવન સાથે ફ્લાઈટને પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં પહોંચી ગઈ હતી. પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા મુજબ, ઈન્ડિગોની ફ્લાઇટ લાહોર નજીક ભટકી ગઈ અને ગુજરાંવાલા પહોંચી ગઈ હતી. ચાર વર્ષથી પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે પરંતુ ખરાબ હવામાનની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ કોઈપણ દેશ તેની હવાઈ જગ્યા આપવાનો ઇનકાર કરી શકે નહીં.
મે મહિનામાં PIAનું વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું
પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટીએ કહ્યું હતું કે, ગત મે મહિનામાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું એક વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ગયું હતું અને પાકિસ્તાનમાં મુશળધાર વરસાદને કારણે તે લગભગ 10 મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં રહ્યું હતું.