- બેન્કો પાસે રોકડ ખૂટી જાય તો નોટ બદલવાનું બંધ,
- પ્રૂફ ના હોય તો ગ્રાહકોને કાઢી મુકાય છે
- અસંખ્ય લોકોને બેન્કોમાં ધક્કા થઈ રહ્યાં છે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ.2,000ના દરની ચલણી નોટ પાછી ખેંચી લીધા પછી લોકોએ ગભરાટમાં બેન્કોમાં નોટ બદલવા ધસારો કર્યો છે પરંતુ બેન્કોની અપૂરતી તૈયારીના કારણે રોજ અસંખ્ય લોકોને બેન્કોમાં ધક્કા થઈ રહ્યાં છે. બેન્કો પાસે પુરતી માત્રામાં રોકડ રકમ નહીં હોવાના કારણે ગમે ત્યારે નોટ બદલવાનું બંધ કરી દેવામાં આવે છે. ઘણી વખત સર્વર ડાઉન હોય તો ખાતામાં જમા થતા સમય લાગે છે. બેન્કો નોટ બદલવા મુદ્દે પોતપોતાની મનમાની ચલાવી રહ્યાંની ફરિયાદો ઉઠી છે.
2016 પછી ફરી વખત લોકો નોટબંધીની તકલીફો સહન કરી રહ્યાં છે. ગૃહિણીઓ, સિનિયર સિટિઝનો પાસે એટલી મોટી સંખ્યામાં બે હજારની નોટ સ્વભાવિક રીતે હોતી નથી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન છતાં બેન્કો પોતાની મનમાની ચલાવી હોવાના કારણે હાલમાં લોકો નોટ બદલવામાં ભારે તકલીફ ભોગવી રહ્યાં છે. આરબીઆઈની ગાઈડલાઈનનો બેન્કોએ ઉલાળ્યો કર્યો છે તો બીજી તરફ આરબીઆઈ મૂક પ્રેક્ષક બનીને લોકોને પડતી તકલીફ જોઈ રહ્યું છે.
એસબીઆઈ સિવાયની ખાનગી બેન્કો અને રાષ્ટ્રીયકૃત બેન્કો આઈડી પ્રુફ સિવાય નોટ બદલી આપતી નથી. તેના માટે આ બેન્કો એવું કારણ આપે છે કે તેમને હેડ ઓફિસથી કોઈ ગાઈડલાઈન નથી. ઘણી બેન્કો મોબાઈલ નંબર માગે છે, વીડિયો કેમેરામાં રેકોર્ડીંગ કરવામાં આવે છે. બેન્કોમાં કેટલા લોકો બે હજારની નોટ બદલવા આવશે તેનું નક્કી ના હોય એટલે બેન્કો આરબીઆઈ પાસેથી જેટલી નોટ મંગાવે તે પ્રમાણે છૂટા અપાય છે. રોકડ પુરી થાય તો બે હજારની નોટ બદલવાની ના પાડી દેવામાં આવે છે. 2016ની નોટબંધી વખતે લોકો લાઈનોમાં ઉભા રહીને હેરાન થયા હતા તેમ છતાં બેન્કો માનવીય અભિગમ દાખવવાના બદલે જડતા દાખવી રહી હોવાની લાગણી લોકોએ વ્યક્ત કરી છે.
ખાસ કરીને ખાનગી બેન્કો પ્રૂફ વગર નોટ બદલવા ઘસીને ના પાડી દેતી હોય લોકોને નાછૂટકે એસબીઆઈ કે અન્ય બેન્કમાં જવું પડે છે. ખાનગી બેન્કોની દાદાગીરીને નાથવા પગલાં લેવા જોઈએ તેવી લોકોમાં માગ ઉઠી છે.