- શખ્સોએ દંપતીને લાકડી-ધોકા વડે ફટકારતા ફરિયાદ
- બે શખ્સોએ ગાડીમાં બેસાડીને અડપલા કરીને છેડતી કરી
- જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
આનંદનગરમાં મહિલાને તે કેમ મારા ભત્રીજા વિરૂધ્ધમાં ફરિયાદ લખાવી છે કહીને બે શખ્સોએ ગાડીમાં બેસાડીને અડપલા કરીને છેડતી કરી હતી. તેમજ મહિલાને કેસ પાછો ખેચી લેવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલા અને તેના પતિને લાકડી અને ધોકાથી ફ્ટકાર્યા હતા. આ અંગે મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આનંદનગરમાં 35 વર્ષીય મહિલા રેખા પટેલ ( નામો બદલેલ છે ) પરિવાર સાથે રહે છે. ગત 24મેના દિવસે રાત્રીના સમયે રેખા ઘરના બ્લોક પાસે નીચે ઉભી હતી તે સમયે વિજય પરમાર અને તેનો મિત્ર ગાડી લઇને મહિલા પાસે આવ્યા હતા. અને મહિલાને તે કેમ મારા ભત્રીજા વિરૂધ્ધમાં ફરિયાદ લખાવી છે તેમ કહી બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. આટલુ જ નહિ મહિલાનો હાથ પકડીને બંને શખ્સોએ ગાડીમાં બેસાડીને અડપલા કરીને છેડતી કરી હતી. જેથી મહિલાએ બૂમાબૂમ કરતા તેની માતા આવી જતા બંને શખ્સોએ તેને ગાડીમાંથી નીચે ઉતારીને નાસી ગયા હતા. દંપતિ કામ અર્થે બહાર જતાં ત્યારે વિજય પરમાર, તેનો ભાઇ કમલ પરમાર, ભત્રીજો વિશાલ પરમાર ત્યાં આવ્યા હતા અને ત્યાં ગાળો બોલી કમલ પરમારે કેસ પાછો ખેંચી લેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.