- પ્રથમ રાઉન્ડના અંતે કુલ 33,907 બેઠક ખાલી, બીજા રાઉન્ડની કાર્યવાહી શરૂ
- શાળાની પુનઃપસંદગીની મુદત પૂર્ણ થયા બાદ બીજા રાઉન્ડના પ્રવેશ ફળવાશે
- શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ બીજા રાઉન્ડના પ્રવેશ ફાળવવામાં આવશે
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડનાં અંતે કુલ 33,907 બેઠકો ખાલી પડી છે. આ બેઠકોમાં પ્રવેશથી વંચિત રહેલા બાળકોને ફરી શાળા બદલવા માટે વધુ એક તક અપાઈ છે, જેમાં તા.23, 24 અને 25 મે એમ ત્રણ દિવસ દરમિયાનમાં સ્કૂલ પસંદગીમાં ઓનલાઈન ફેરફાર થઈ શકશે. શાળા પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ બીજા રાઉન્ડના પ્રવેશ ફાળવવામાં આવશે.
આરટીઈ અંતર્ગત રાજ્યની કુલ 9,854 ખાનગી સ્કૂલોમાં જુદા જુદા માધ્યમમાં ધોરણ.1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ અપાવવા માટે કુલ રિઝર્વ 82,820 બેઠકમાં માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં પ્રવેશનેપાત્ર કુલ 68,135 અરજીઓને માન્ય રખાઈ હતી. ગત 4 મેના રોજ પ્રથમ રાઉન્ડમમાં 54,903 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. દરમિયાન 48,890 બાળકોએ સ્કૂલમાં જઈ પ્રવેશ મેળવી લીધો. આમ પ્રવેશ ફાળવેલ પૈકી 6,013 બાળકોએ પ્રવેશ લેવાનું ટાળ્યું. આ સિવાય 27,917 બેઠક પ્રથમ રાઉન્ડમાં જ પસંદગીના અભાવે ખાલી પડી હતી. જોકે હવે પ્રથમ રાઉન્ડ બાદ સમગ્ર રાજ્યમાં કુલ 33,907 જેટલી ખાલી પડેલી જગ્યામાં પ્રવેશ આપવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ખાલી પડેલી બેઠકોમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેવા વિદ્યાર્થીઓને ફરીથી શાળામાં ફેરફાર કરવાની તક અપાઈ છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન જ શાળાઓની પુનઃપસંદગી કરી શકશે. પ્રવેશ સમિતી દ્વારા ત્રણ દિવસ પોર્ટલ ઓપન કરાશે જેમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખના આધારે લોગ ઈન કરી શકાશે. બાદમાં ક્રમશઃ શાળાની પુનઃ પસંદગી કરી શકાશે. શાળાની પુનઃપસંદગી કર્યાં બાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની સુચના પણ આપવામાં આવી છે. પ્રમથ રાઉન્ડના અંતે ખાલી પડેલી બેઠકમાં અંગ્રેજી માધ્યમની 14,214, ગુજરાતી માધ્યમની 16,577, હિન્દી માધ્યમની 2,823 અને અન્ય માધ્યમની 293 બેઠકનો સમાવેશ થાય છે.