- 1,800 કરોડના હવાલા-સટ્ટાકાંડમાં અત્યાર સુધીમાં 12 આરોપી ઝડપાય
- નિલેશ રામીને સટ્ટા બેટિંગ માટે સર્વર પરેશે આપ્યું હોવાનું સામે આવ્યું
- જયપુરથી દુબઈની ટિકિટ, વિઝાના જરૂરી કાગળો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી
માધુપુરા સુમેલ બિઝનેસ પાર્કમાંથી પીસીબીએ રૂ. 1800 કરોડના હવાલા, સટ્ટાકાંડનો ગેરકાયદે ટ્રેડિંગનો પર્દાફશ કર્યો હતો. ત્યારે પોલીસે આ કેસમાં નિકોલ અને મેઘાણીનગરમાંથી વધુ બે આરોપીઓને ઝડપી પાડયા છે. તેમણે મહાવીર એન્ટરપ્રાઇઝવાળી જગ્યા ભાડે રાખી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આરોપીઓએ અગાઉ પકડાયેલ આરોપી હર્ષિત જૈનને ક્રિક્રેટ સટ્ટા બેટિંગનું માસ્ટર આઇડી આપ્યું હતું. આ કેસમાં વધુ એક આરોપીને પોલીસે જયપુર એરપોર્ટ પરથી ઝડપી પાડયો હતો. જ્યારે આરોપી દુબઇ ભાગવા જાય તે પહેલા એરપોર્ટ ઓથોરિટીએ તેને ડિટેઇન કર્યો હતો. આરોપીએ અગાઉ પકડાયેલ આરોપી નિલેશ રામીને ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદે પ્રવૃત્તિ માટે મેટા ટ્રેડર એપ્લિકેશનનું વેલોસિટી સર્વર આપ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસના છેડા દુબઇ બેઠેલા રાકેશ રાજદેવ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ કેસમાં અત્યારસુધી કુલ 12 આરોપીઓની ધરપકડ પોલીસેકરી છે.
માધુપુરા સટ્ટાકાંડમાં આરોપી નિલેશ રામીએ રિમાન્ડ દરમિયાન પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે, ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે મેટા ટ્રેડર એપ્લિકેશનનું વેલોસિટી સર્વર તેણે પરેશ ઠક્કર નામના વ્યક્તિ પાસેથી મેળવ્યું હતું. પોલીસે પરેશ ઠક્કરની તપાસ શરૂ કરી હતી. તે ધરપકડથી બચવા માટે અમદાવાદમાંથી ભાગી ગયો હતો. પોલીસે તેની જરૂરી માહિતી મેળવીને લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો. જેના આધારે પરેશ ઠક્કર જયપુરથી દુબઈ જતા દરમિયાન જયપુર એરપોર્ટ ઓથોરિટીએ તેને ડિટેઈન કરીને અમદાવાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે આજે તેનો કબજો મેળવીને અટકાયત કરી હતી. તેની પાસેથી એક મોબાઈલ, 50 હજાર રૂપિયા રોકડા, જયપુરથી દુબઈની ટિકિટ, વિઝાના જરૂરી કાગળો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.