- પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાના હવામાન ખાતાના સંકેતો
- અરબી સમુદ્ર તરફથી ભેજ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો
- ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ-પશ્ચિમનો પવન ફૂંકાઈ રહ્યો છે. તાપમાન નીચું હોવા છતાં ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી ભેજ આવવાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારથી આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તાર તેમજ કચ્છમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સાથે પ્રતિકલાકે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. શુક્રવારે મોડી સાંજે અમદાવાદ શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડયાં હતા. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ રવિવારના રોજ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં હળવો વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છ પંથકમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આવી જ રીતે સોમવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં તેમજ મંગળવારના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સાથે સાથે તેજ પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.