- ઔષધ નિયમન તંત્રે અમરાઈવાડીમાં દરોડા પાડતા ઘટસ્ફોટ
- ગંભીર રોગના ઇલાજ માટેના પાંચ એક્સ્પાયર્ડ ઇન્જેક્શન વેચી માર્યા
- વધુ તપાસ હાથ ધરાતા 444 નંગ દવાનું વેચાણ શંકાસ્પદ હોવાનું ખુલ્યું
શહેરના અમરાઇવાડીની મે.મહાદેવ એજન્સીમાં એક્સપાયર્ડ દવાઓનું રિલેબલિંગ કરીને ફરીથી વેચાણ કરતા હોવાની બાતમી આધારે રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડીને તપાસ હાથ ધરાઈ હતી, જેમાં એક્સ્પાયર્ડ થયેલા સ્કર્વી નામના ગંભીર પ્રકારના રોગમાં વપરાતા સ્કોરબિન્ટ-સી ઇન્જેકશનના પાંચ નંગ રિલેબલિંગ કરી વેચાણ કરનારા બે લોકો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર કરાઈ છે. વધુ તપાસ હાથ ધરાતા 444 નંગ દવાનું વેચાણ શંકાસ્પદ હોવાનું ખુલ્યું હતું.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, બાતમીના આધારે તા.2 જૂને શહેરના અમરાઇવાડી ખાતેની મે.મહાદેવ એજન્સીને ત્યાં તપાસ દરમિયાન સ્કોરબિન્ટ-સી ઇન્જેક્શન, એક્સ્ પાયર ડેટ 03/2023 મેન્યુ.નીક્ષી લેબોરેટરી હિમાચલ પ્રદેશ તેમજ મેન્યુ. ઇન્ટગ્રીટી ફાર્માસ્યુટિકલ વડોદરા નામની દવાના ખરીદ વેચાણ બાબતે પેઢીના જવાબદાર તેજેન્દ્ર ઠક્કરની પૂછપરછ કરી હતી, જેમાં 444 નંગ દવાનું વેચાણ શંકાસ્પદ લાગતાં વધુ પૂછપરછમાં તેજેન્દ્રએ જણાવ્યું કે તેઓએ ઓરિજિનલ એક્ષપાયરી તા.03/2023 અને બેચ નંબર બદલી તેઓના કોમ્પ્યુટરમાં નવી એક્ષપાયરી તા.09/2023 અને બેચ નંબર પ્રિન્ટ કરી કાર્ટન પર લગાવ્યા હતા. જ્યારે દવાના વાયલ પરથી દવાનું નામ, બેચ નં., ઉત્પાદન તા., મુદત વિત્યા તારીખ અને ઉત્પાદકનું નામ જેવી તમામ વિગતો લેબલ પરથી ભૂસી કાઢી વેચાણ કર્યા હતા.