- સિવિલમાં 275 પૈકી 100માં ટ્રાન્સપ્લાન્ટ
- ચક્ષુદાનથી કીકી પ્રત્યારોપણ સુધીનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કરાશે
- 66 આઈ ડોનેશન સેન્ટર અને 6 કીકી પ્રત્યારોપણ કેન્દ્ર કાર્યરત
ચક્ષુદાન વિશે જાગૃતિ ફેલાવવા અને અંધત્વ નિવારણ માટે દર વર્ષે 10મી જૂને વિશ્વ નેત્રદાન દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2022-23માં 5,400 જેટલા ચક્ષુદાન થયા છે. દેશમાં વર્ષે બે લાખ જેટલા ચક્ષુઓની જરૂરિયાત છે, જેની સામે 70 હજાર જેટલા ચક્ષુદાન મળે છે, જે પૈકી 35થી 40 ટકા જેટલા ચક્ષુઓ જ કીકી પ્રત્યારોપણ માટે ઉપયોગમાં આવી શકે છે, ગુજરાતમાં ચક્ષુદાનની જરૂરિયાત સામે આ પ્રમાણ 50થી 55 ટકા જેટલું છે. બીજી તરફ અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં વર્ષ 2022માં 275 ચક્ષુદાન પ્રાપ્ત થયા હતા, જે પૈકી 100 ચક્ષુનું પ્રત્યારોપણ કરી શકાયું હતું, બાકીના ચક્ષુનો ઉપયોગ તબીબી અભ્યાસ માટે થયો હતો. ચક્ષુદાનમાં મળેલા ચક્ષુઓની ગુણવત્તા જળવાઈ રહે અને દાનમાં મળેલા ચક્ષુ પૈકી મહત્ત્મ ચક્ષુઓનું કીકી પ્રત્યારોપણ ઉપયોગમાં થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા દેશમાં પહેલી વાર એચએમઆઈએસ વેબ પોર્ટલ ઊભું કરવામાં આવી રહ્યું છે, જેમાં રાજ્યના તમામ આઈ ડોનેશન સેન્ટર, આઈ બેંક અને કીકી પ્રત્યારોપણ કેન્દ્રોને આવરી લેવામાં આવશે તથા ચક્ષુદાતા પાસેથી ચક્ષુદાન પ્રાપ્ત થયાથી કીકી પ્રત્યારોપણ સુધીનું રિયલ ટાઈમ ટ્રેકિંગ કરાશે. આધુનિક ટેક્નોલોજી દ્વારા એક વ્યક્તિના ચક્ષુદાનથી ત્રણથી ચાર વ્યક્તિઓને અલગ અલગ પ્રકારની કીકી પ્રત્યારોપણની પદ્ધતિ દ્વારા દ્રષ્ટિ આપી શકાય છે. ગુજરાતમાં અત્યારે હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટ (હોટા)- 1994 અંતર્ગત 33 આઈ બેંક, 66 આઈ ડોનેશન સેન્ટર અને 6 કીકી પ્રત્યારોપણ કેન્દ્ર કાર્યરત છે.