- ધો.12 સામાન્ય પ્રવાહ પહેલા ધો.10નું પરિણામ જાહેર થશે
- ધો.10ના 9.50 લાખ જેટલા વિદ્યાર્થીઓના પરિણામની પ્રક્રિયા પૂર્ણ
- સામાન્ય પ્રવાહની કાર્યવાહી છેલ્લા તબક્કામાં હોવાનું જાણવા મળ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-એપ્રિલમાં લેવાયેલી ધોરણ.10 અને ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામને લઈ અનેક અફવાવો અને ગેરમાર્ગે દોરતી તારીખો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. પરંતુ બોર્ડના અધિકારીઓ પાસેથી મળેલી વિગત મુજબ ધોરણ.10નું પરિણામ આ વખતે ધોરણ.12 સામાન્ય પ્રવાહના પરિણામ કરતાં વહેલુ 25મી આસપાસ એટલે કે, આ અઠવાડીયામાં જાહેર થશે, જ્યારે ધોરણ.12 સામાન્ય પ્રવાહનું પરિણામ 30મી આસપાસ એટલે કે, આવતા અઠવાડીયામાં જાહેર થશે. હાલમાં ધોરણ.10ના અંદાજે 9.50 લાખ જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે, જ્યારે સામાન્ય પ્રવાહની કાર્યવાહી છેલ્લા તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે.
ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી શરૂ થઈ હતી અને 29મી એપ્રિલ સુધી ચાલી હતી. ધોરણ.10ની પરીક્ષા માટે 9,56,753 ઉમેદવારો સંસ્કૃત પ્રથમાના 644 ઉમેદવાર નોંધાયા હતાં. જેમાં નિયમિત 7,41,337, ખાનગી 11,258, રિપીટર 1,65,576, ખાનગી રિપીટર 5,472, આઈસોલેટેડ 33,110, ડીસેબલ 4,034 વિદ્યાર્થી સમાવેશ થયો હતો. ધોરણ.10ની પરીક્ષા રાજ્યના કુલ 83 ઝોનના 958 કેન્દ્રોના 31,819 બ્લોકમાં લેવામાં આવી હતી. આવી જ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થી, જેમાં નિયમિત 4,80,794, ખાનગી નિયમિત 34,617, રિપીટર 29,981 નોંધાયા હતા.