- ભુજ સિવિલને પેનલ બનાવી મેડિકલ રિપોર્ટ સોંપવાનો HCનો આદેશ
- 19 સપ્તાહની ગર્ભવતીની અરજી પર હવે સાતમી જૂને સુનાવણી યોજાશે
- હાઈકોર્ટે ભૂજ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને નિર્દેશ આપ્યો
કચ્છ જિલ્લાની દુષ્કર્મ પીડિત મૂકબધિર સગીરાના 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવેલી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે ભૂજ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને નિર્દેશ આપ્યો છે કે, સગીરાના મેડિકલ તપાસ માટે નિષ્ણાત ડોક્ટર્સની ટીમ બનાવો અને તપાસ રિપોર્ટ રજૂ કરો. આ રિપોર્ટમાં જણાવો કે આ ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી શકાય તેમ છે કે નહીં અને જો મંજૂરી આપી શકાય તેમ હોય તો તેના લીધે પીડિતાના જીવને કોઈ જોખમ છે ખરૂં, પીડિતાની માનસિક અને શારીરિક હાલત આ સ્થિતિનો સામનો કરવા તૈયાર છે ખરી. હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી સાત જૂને રાખી છે. સુનાવણી દરમિયાન, અરજદારના વકીલની રજૂઆત હતી કે મૂક-બધિર સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવેલુ છે અને તેના પરિણામે તે ગર્ભવતી બની છે. દુષ્કર્મની ઘટના બાદ, પીડિતાની માનસિક તણાવનો સામનો કરી રહી છે. આ મનોસ્થિતિમાં તે બાળકને જન્મ આપવા માટે કે તેને ઉછેરી શકવાની સ્થિતિમાં જ નથી. તેથી, તેના 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપો.