- પોસ્ટ ગ્રેજ્યુએટ કર્મચારીને સફાઈ કામ સોંપ્યું, હેરાનગતિ થઈ હોવાના આક્ષેપ
- વર્ગ 3ના કર્મચારીની ટ્રાન્સફર કરાયા બાદ હતાશામાં સરી પડયો હતો
- અધિકારીઓ સામે કેસની કાર્યવાહી ચાલુ રાખવી યોગ્ય જણાતી નથી
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ અધિકારીઓ સામે વર્ષ 2012માં વર્ગ-4ના કર્મચારીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહીને આપઘાત માટે ઉશ્કેરવાના કેસમાં થયેલી ફરિયાદને હાઈકોર્ટે રદ કરી દીધી છે.
હાઈકોર્ટનુ અવલોકન છે કે, મૃતક 72 દિવસ સુધી કામ પર ગેરહાજર રહ્યા હતા અને તેના ઉપરી અધિકારીએ અનુશાસનહીનતાના મુદ્દે તેને નોટિસ આપેલી. આ બાબતને આપઘાત માટે ઉશ્કેરણી કરવા સમાન ગણી ન શકાય. હાઈકોર્ટે મૃતકના આપઘાત બાદની સુસાઈડ નોટને પણ ધ્યાને લેતા નોંધ્યું છે કે, મૃતક તણાવ અને હતાશામાં હતો. તેનો આરોપ હતો કે તેને સફઈ કામદાર તરીકેની જવાબદારી સોંપી ન શકાય. મૃતક બહુ લાગણીશીલ સ્વભાવના હતા. તેમની અન્ય વિભાગમાં ટ્રાન્સફ્ર થયા બાદ, તે હતાશામાં સરી પડેલા અને તેની લાગણીઓ પર કાબુ રાખવામાં નિષ્ફ્ળ રહેતા, તેણે આપઘાત કરેલો. નોકરીમાં ટ્રાન્સફ્ર કરવાની વાતને આપઘાત માટે ઉશ્કેરવા માટેનુ કારણ ગણી ન શકાય. આ ત્રણેય અધિકારીઓ સામે કેસની કાર્યવાહી ચાલુ રાખવી યોગ્ય જણાતી નથી.
કેસની વિગત જોઈએ તો, મૃતક અશોક ચાવડા રાજકોટ મહાનગરપાલિકામાં વર્ગ-4ના કર્મચારી હતા. તેણે વર્ષ 2012માં આપઘાત કર્યા બાદ લખેલી સુસાઈડ નોટમાં રાજકોટ મનપામાંના ત્રણ ઉચ્ચ અધિકારીઓ ( સિટી ઈજનેર, તત્કાલીન ડેપ્યુટી ઈજનેર અને આસિસ્ટન્ટ ઈલેક્ટ્રિકલ ઈજનેર) સામે જાણી જોઈને હેરાન કરવા અને અપમાનજનક શબ્દો કહેવાનો આરોપ મુકેલો. આ પછી ત્રણેય અધિકારીઓ સામે આઈપીસી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાયેલી. મૃતકના પરિવારના વકીલની રજૂઆત હતી કે મૃતક પોસ્ટગ્રેજ્યુએટ થયેલો હોવા છતાં આરોપીઓએ તેને સફઈ કામદારનુ કામ સોંપીને અપમાનિત કરેલ અને અપમાનજનક શબ્દો કહીને તેને આપઘાત માટે ઉશ્કેર્યો હતો.