- ઉત્તરાખંડમાં સરકારની અરાજકતા
- ઘોડા, ડોલી, ખાણી-પીણી, હોટેલ અને હેલિકોપ્ટરના મનફાવે તેવા ભાવ વસૂલે છે
- પાણીની બોટલના 100 રૂપિયા, ઘોડાના પ હજાર, પીઠ્ઠુના 12 હજાર ભાવ!
અતિ પવિત્ર ગણાતી ચારધામની યાત્રામાં ગુજરાતીઓ મોખરે હોય છે. પરંતુ ઉત્તરાખંડ સરકારની આંખ આડા કાન કરવાની નીતિના લીધે ગુજરાતીઓ જાણે પૈસા કમાવાનું મશીન હોય તેવા વ્યવહારનો અનુભવ ગુજરાતી યાત્રાળુઓને થઈ રહ્યાં છે. ઘોડા, ડોલી, ખાણી-પીણી, હોટેલ, અને હેલિકોપ્ટરની ટિકિટ સહિતની બાબતોમાં રીતસરની ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે. ત્યાં સુધી કે હેલિકોપ્ટરની એક ટિકિટના 40 હજાર રૂપિયા સુધી વસુલાઈ રહ્યાં છે.
કેદારનાથ યાત્રાધામ ખાતે ગુજરાતીઓ વિશેષ જઈ રહ્યાં છે. તેનો વધુમાં વધુ ગેરફાયદો સ્થાનિક ધંધાર્થીઓ, ઘોડાવાળાઓ અને હેલિકોપ્ટર કંપની અને તેના મળતિયાઓ ઉઠાવી રહ્યાં છે. હાલમાં જ કેદારનાથ ગયેલા રાજકોટ, સુરત અને અમદાવાદના એક ગૃપે પોતાની આપવીતી વર્ણવતાં જણાવ્યું હતું કે કોઈને હેલિકોપ્ટર મારફત કેદારનાથ ધામ જવું હોય તો સેરસી, ફાટા અને ગુપ્તકાશી ખાતેથી જઈ શકાય છે. જેનો ઓનલાઈન ભાવ પ્રતિ વ્યક્તિ અનુક્રમે 5,498, 5,500 અને 7,740 છે. પરંતુ હાજરમાં ટિકિટ લેવી હોય તો કાળાબજારમાં તેનો ભાવ એક ટિકિટના 40 હજાર રૂપિયા સુધી વસૂલાઈ છે.
આવી જ રીતે ગૌરીકુંડથી કેદારનાથ સુધીનો ઘોડાનો સરકારે નક્કી કરેલો ભાવ રૂા.2,950 છે. પરંતુ ઘોડાવાળાઓ દ્વારા 3,500થી 5,000 સુધી વસૂલાય છે. એટલું જ નહીં ઘોડાનો ભાવ નક્કી કર્યો હોય છતાં ચાલુ સવારીએ તેમાં વધારો કરી દેવાય છે. રસ્તામાં ખાણી-પીણીના સ્ટોલવાળાઓ પણ ભાવમાં બેફામ લૂંટ ચલાવે છે. જેમાં પાણીની બોટલ, કોલ્ડ્રિંક્સની બોટલના 100 રૂપિયા સુધી વસૂલાય છે. એક કપ ચાના 30થી 40 રૂપિયા લેવાય છે. પીઠ્ઠુનો ભાવ સરકારે નક્કી કરેલો નથી લેવાતો તેના બદલે 12 હજાર રૂપિયાથી શરૂઆત કરાય છે. જે 20 હજાર સુધી વસુલાય છે. તો સોનપ્રયાગથી ગૌરીકુંડ માટે ફરજિયાત સરકારે નક્કી કરેલી ટેક્ષીમાં જ જવું પડે છે. તે ટેક્ષી ખુબ જ ઓછી સંખ્યામાં હોવાથી તેમાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવામાં આવે છે. આમ, યાત્રાળુઓ દરેક બાબતમાં છેતરાતાં- છેતરાતાં બાબાના દર્શને પહોંચે છે.