કેન્દ્રીયમંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા દ્વારા સ્થળાંતર કામગીરીનું નિરીક્ષણ, વરવાળાના ઝૂપડાઓમાં જાત-તપાસ દરમિયાન સ્થાનિક મહિલાને સલામત આશ્રયસ્થાનમાં જવા સમજાવી
માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા તા.૧૩ જૂન
અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાનાં જોખમ સામે અગમચેતીના ભાગરૂપે, દરિયાકાંઠા વિસ્તારોમાંથી યુદ્ધના ધોરણે લોકોનું સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીયમંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને બચાવ માટે લેવાયેલ પગલા અને પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. દ્વારકા પાસે આવેલું વરવાળા બિપર જોય વાવાઝોડાના અસરક્ષેત્રમાં આવે છે. અહીં કાચા મકાનો તેમજ ઝૂપડામાં રહેતા લોકોને નજીકના પાક્કા બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરાયા છે.
કેન્દ્રીય મંત્રીશ્રી આજે વરવાળા પહોંચ્યા હતા. એ દરમિયાન માર્ગમાં કેટલાક ઝુંપડા આવતા, તેઓ ત્યાં તપાસ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન એક મહિલા અને બે બાળકો ઝૂપડામાંથી મળી આવ્યા હતા, જેઓ પોતાનું ઘર છોડવા માટે રાજી નહોતા. મંત્રીશ્રીએ તેમને વાવાઝોડાના સંભવિત ખતરાની સમજ આપી હતી અને નજીકમાં જ આવેલા પાક્કા બાંધકામવાળા આશ્રયસ્થાનમાં જતા રહેવા સમજાવ્યા હતા. આ સાથે સંબંધિત અધિકારીઓને પણ આ મહિલાના સ્થળાંતર માટે મદદ કરવા સૂચના આપી હતી.
વાવાઝોડા સામે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સમગ્ર તંત્ર ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે સક્રિયપણે કામ કરી રહ્યું છે.