- હીરા ઉદ્યોગમાં કિમ્બી પ્રોસેસ પદ્ધતિ મુજબ કામ થાય છે કે નહી તે જોશે
- 7 દેશોમાંથી આવેલા 14 પ્રતિનિધિઓ બે દિવસની મુલાકાતે આવશે
- કટ અને પોલિશ્ડ હીરા પૈકી 90 ટકા સુરતમાં તૈયાર થાય છે
બ્લડ ડાયમંડ પર નિયંત્રણ મુકવા અને હીરા ઉદ્યોગમાં પારદર્શિતા વધે તે માટે બનાવાવમાં આવેલી કિમ્બલ પ્રોસેસ કમિટી(કેપી કમિટી)ના સદસ્યો આગામી 14 અને15 જુનના રોજ સુરત હીરા ઉદ્યોગની મુલાકાતે આવશે. 7 દેશોમાંથી 14 પ્રતિનિધિઓ બે દિવસની વિઝિટ દરમિયાન સુરતના હીરા ઉદ્યોગમાં કિમ્બલ પ્રોસેસ કમિટીના ધારાધોરણ મુજબ કામ થાય છે કે નહીં તે જોશે અને જરુર હોય તો સલાહ-સુચના પણ આપશે.
સુરત હીરા ઉદ્યોગનું મોટુ કેન્દ્ર છે. દુનિયાભરમાં કટ અને પોલિશ્ડ હીરા પૈકી 90 ટકા સુરતમાં તૈયાર થાય છે. સુરતના હીરા ઉદ્યોગકારો મોટાભાગે રશિયા, ઝિમ્બાવે અને દક્ષિણ અફીકાથી રફ ડાયમંડ ઇમ્પોર્ટ કરે છે. વિદેશથી ઇમ્પોર્ટ કરવામા આવેલા હીરા કિમ્બલ પ્રોસેસ સર્ટિફિકેટ સાથે આવ્યા છે કે નહીં. જ્યાંથી રફ હીરા ઇમ્પોર્ટ કરવામાં આવ્યા છે ત્યાના માઇન્સમાં મજૂરોની પરિસ્થિતિ, સુરતમાં કસ્ટમ ક્લીયરન્સની પરિસ્થિતિ અને હિસાબી ચોપડા સહિતની તમામ વ્યવસ્થા કમિટીના સદસ્યો દ્વારા તપાસવામાં આવશે.
કિમ્બલ પ્રોસેસ કમિટીમાં દુનિયાના અનેક દેશો સદસ્ય છે. ભારત પણ કિમ્બી પ્રોસેસ કમિટીનો સદસ્ય છે. કિમ્બલ પ્રોસેસ કમિટીની સ્થાપના દુનિયામાં હીરાનો વેપાર કરતા દેશો દ્વારા કરવામાં આવી છે. જેનો આશય હીરા ઉદ્યોગમાં બ્લડ ડાયમંડ પર નિયંત્રણ મુકવા, મજૂરોનું શોષણ રોકવા તેમજ હીરા ઉદ્યોગમાં પારદર્શિતા વધે તેમજ વેપાર સરળતાથી થાય તે માટેનો છે.