- 34 કિડની, 18 લીવર, 3 હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયાં
- ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશનમાં ડોમિસાઈલ સર્ટી.ની જરૂર નહીં પડે
- ગુજરાત સ્થાપના દિવસના મે મહિનામાં રાજ્યમાં કુલ 19 અંગદાન થયા છે
ગુજરાત સ્થાપના દિવસના મે મહિનામાં રાજ્યમાં કુલ 19 અંગદાન થયા છે, જેમાંથી વિવિધ 58 અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. એકંદરે 19 બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોના દાનથી 58 લોકોને નવી જિંદગી મળી છે. ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અંગદાન છે, તેમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં મે મહિનામાં 58 અંગો મળ્યા છે, જેમાં 34 કિડની, 18 લીવર, 3 હૃદય, ફેફસાં અને હાથની એક એક જોડ, એક નાના આંતરડાનો સમાવેશ થાય છે. 58 અંગોનું જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્ત્વમાં રાજ્ય સરકારના સોટ્ટો એકમને વડાપ્રધાનના હસ્તે તાજેતરમાં જ એવોર્ડ મળ્યો હતો, જેનાથી અંગદાનની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહન મળ્યું છે. મહત્ત્વનું છે કે, રાજ્ય સરકારે અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશનમાં ડોમિસાઈલ સર્ટિફિકેટની હવે જરૂર નહિ રહે અને રજિસ્ટ્રેશન માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહિ આવે તે અંગે ગત સપ્તાહે જ નિર્ણય કર્યો હતો. ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ પણ ઉંમરની વ્યક્તિ નોંધણી કરાવી શકશે. આ સાથે જ ખાનગી હોસ્પિટલના દર પાંચમાંથી ત્રણ બ્રેઈન ડેડ વ્યક્તિના અંગો સરકારી હોસ્પિટલને ફાળવવામાં પ્રાથમિકતા આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનને અનુસરી રાજ્ય સરકારના સોટ્ટો એકમે આ નિર્ણય કર્યો હતો.