- બસ અક્સ્માતના 295 કેસમાં 109 વ્યક્તિનાં મોત
- વર્ષ 2022માં કુલ 15,751 અકસ્માત, 7,618એ દમ તોડયો
- સ્કૂલમાં માર્ગ સલામતીના પાઠ પણ બાળકોને ભણાવવામાં આવશે
ગુજરાતમાં વર્ષ 2021માં 15,186 અકસ્માત થયા હતા, જે વર્ષ 2022માં વધીને 15,751 થયા છે. ગુજરાતમાં વર્ષ 2022ના અરસામાં વિવિધ અકસ્માતમાં 7,618 વ્યક્તિના મોત થયા છે, જે પૈકી 1,568 પદયાત્રી કે રાહદારીનાં અકસ્માતમાં મોત નોંધાયા છે. ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતમાં પદયાત્રીનાં મોતમાં અમદાવાદ અને સુરત શહેર મોખરે રહે છે.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ડેટા પ્રમાણે 2022ના અરસામાં પદયાત્રીને લગતાં 2,949 જેટલા અકસ્માત નોંધાયા હતા, જે પૈકી 1,568 વ્યક્તિનાં મોત થયા હતા. 1,029 જીવલેણ અકસ્માતમાં જે તે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી, પદયાત્રીઓમાં 1,165 ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે 552 વ્યક્તિને સામાન્ય કે નજીવી ઈજા પહોંચી હતી. અન્ય એક સરકારી રિપોર્ટ પ્રમાણે અમદાવાદ શહેરમાં વર્ષ 2021માં 162 પદયાત્રી કે રાહદારીના અકસ્માતમાં મોત નોંધાયા હતા, એ જ રીતે વર્ષ 2020માં 151, વર્ષ 2019માં 53, 2018માં 33 અને 2017માં 28 વ્યક્તિના મોત થયા હતા. ગુજરાતમાં બસ અકસ્માતના કેસમાં વર્ષ 2022ના અરસામાં 109 લોકોનાં મોત નોંધાયા છે. બસને લગતાં કુલ 295 અકસ્માતના કિસ્સા નોંધાયા છે. 371 વ્યક્તિને ગંભીર અને 455 વ્યક્તિને સામાન્ય કે નજીવી ઈજા થઈ હતી. ગુજરાતમાં 2022માં જે 15,751 અકસ્માતના કેસ નોંધાયા હતા તેમાં કુલ 8,782 વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી જ્યારે 3607 વ્યક્તિને નજીવી ઈજા પહોંચી હતી. તાજેતરમાં જ વાહન અકસ્માતના કેસની સમીક્ષા માટે ગાંધીનગરમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતાં ચાલકો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ અપાયા હતા, આ ઉપરાંત રોડ એન્જિનિયરિંગ બાબતે રોડ સાઈનેજીસ સહિતના પગલાં લેવા તાકીદ કરાઈ હતી. અકસ્માત પછીના તૂરંત એક કલાકના ગોલ્ડન અવરમાં જે તે ઈજાગ્રસ્તને તબીબી સારવાર મળી રહે તો દર્દીનો જીવ બચાવી શકવાની સંભાવના ખૂબ વધી જાય છે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કાર્યવાહી કરવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી સમયમાં સ્કૂલમાં માર્ગ સલામતીના પાઠ પણ બાળકોને ભણાવવામાં આવશે.