- વિદેશોમાં નોંધાયેલી વેબસાઈટ્સ, ઓનલાઈન ગેમિંગ કંપની પર સકંજો
- હવાલાથી રૂ. 4,000 કરોડના રેમિટન્સ મામલે EDએ તપાસ વિસ્તારી
- ગેરકાયદેસર રેમિટન્સના કેસમાં તપાસનો વ્યાપ વિસ્તાર્યો છે
એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગેમિંગ કંપનીઓ મારફતે ભારતમાંથી કુરાકાઓ, માલ્ટા અને સાયપ્રસમાં જેવા ટાપુ દેશોમાં રૂ. 4,000 કરોડના ગેરકાયદેસર રેમિટન્સના કેસમાં તપાસનો વ્યાપ વિસ્તાર્યો છે અને હવે EDની તપાસમાં ગુજરાત સહિત પાંચ રાજ્યોને આવરી લેવાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવાર અને મંગળવાર એમ બે દિવસના સર્ચ અદરમિયાન ફેરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) 1999ની જોગવાઈઓ હેઠળ ગુજરાત સહિત ભારતમાં 25 જગ્યાઓ પર સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુજરાતમાં સાત જગ્યાઓ પર દરોડા પાડયા હતા. જ્યારે દિલ્હીમાં 11, મહારાષ્ટ્રમાં 4, મધ્યપ્રદેશમાં બે અને આંધ્રપ્રદેશમાં એક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. EDએ પાડેલા દરોડામાં વિદેશોમાં રજિસ્ટર્ડ ઓનલાઈન ગેમિંગ અને વેબસાઈટ કંપનીઓને ટાર્ગેટ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, કુરાકાઓ, માલ્ટા અને સાયપ્રસ જેવા નાના ટાપુ દેશોમાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓ અને વેબસાઈટ રજિસ્ટર્ડ થયેલી હોય છે અને આવી કંપનીઓ અને વેબસાઈટો ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિમાં સંડોવાયેલી ન હોય તેવી પ્રોક્સી- ડમી વ્યક્તિઓના નામથી ભારતીય બેંક ખાતા ખોલવાનારા સાથે સંકળાયેલી હોય છે.
ગેમિંગ વેબસાઇટ્સ મારફતે સામાન્ય લોકો પાસેથી એકત્ર કરાયેલું ભંડોળ એક કરતાં વધુ બેંક એકાઉન્ટ્સ મારફતે માલસામાન અને સર્વિસીસની આયાતની ચૂકવણી માટે ખોટી રીતે જાહેર કરાયેલા હેતુના બહાને ભારતની બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાની શંકા છે. રેસિંગ, રાઈડિંગ અથવા અન્ય કોઈ મોજશોખ મારફતે કરાયેલી આવકમાંથી આ પ્રકારે રેમિટન્સ કરવાનું FEMA હેઠળ પ્રતિબંધિત છે.
EDએ આ સર્ચમાં મુખ્યત્વે આશિષ કક્કડ, નીરજ બેદી, અર્જુન અશ્વિન અધિકારી અને અભિજિત ખોટ સહિત અનેક હવાલા ઓપરેટરો સાથે સંકળાયેલી જગ્યાઓને ટાર્ગટ બનાવવામાં આવી હતી. આ હવાલા ઓપરેટરો સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. EDના દરોડામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં આ કેસ સંબંધિત ઈલેક્ટ્રોનિક – ડિજીટલ પુરાવા પણ જપ્ત કરાયા છે. જેમાં હવાલા ઓપરેટરોએ તપાસમાંથી છટકી જવાની નેમ સાથે અમલમાં મૂકેલી કેટલીક મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. EDએ જણાવ્યું છે કે, ભારતમાંથી કુલ રૂ. 4,000 કરોડના રેમિટન્સને સરળ બનાવવા માટે તેમને માલ અને સેવાઓની આયાત માટે ચૂકવણી કરવાના બહાને આ કેસમાં સંડોવાયેલા માસ્ટર માઈન્ડ અને મુખ્ય વ્યક્તિઓએ તેમના કર્મચારીઓના નામ હેઠળ સેંકડો લેભાગુ- શેલ કંપનીઓ ખોલી હતી અને જંગી ભંડોળ વિદેશોમાં મોકલાયું હતું.