- સંગઠનમાં ફેરફાર મુદ્દે દિલ્હીમાં બેઠક મળતાં નેતા માંદા પડયા
- રહ્યા સહ્યા MLA ભાજપભેગા થાય તે પહેલાં અમિત ચાવડા બદલાશે?
- પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્માના વિકલ્પ મુદ્દે દિલ્હીમાં મંથન
વિધાનસભાની ચૂંટણી સમયે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ઓછામાં ઓછી 35 જેટલી ટિકિટોમાં સોદાબાજી કરી હતી, નાણાંની લેતીદેતીમાં ટિકિટોની રીસતર સોદાબાજી થઈ હતી, એટલું જ નહિ પરંતુ દિલ્હી દરબારમાં નક્કી થયેલા નામોમાં ય ગોટાળા થયા હોવાનો ગણગણાટ છે. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ જ કોંગ્રેસને ગુજરાતમાંથી ખતમ કરવાનું જાણે ષડયંત્ર રચ્યું હોય તેમ કોંગ્રેસ 77 બેઠકો પરથી માંડ 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી, હવે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવા દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થયો છે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી દોડયા છે, પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને હટાવી નવા નેતાની પસંદગી માટે કવાયત શરૂ કરાઈ છે. બીજી તરફ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સામે પણ ધારાસભ્યોમાં અંદરો અંદર વિરોધ વંટોળ ઊભો થયો છે, ચાવડાથી નારાજ કેટલાક ધારાસભ્યો આગામી દિવસોમાં ભાજપ ભેગા થવાની તૈયારીમાં છે. આ મુદ્દો પણ દિલ્હી પહોંચ્યો છે. આ સંજોગોમાં ચાવડાના સ્થાને નવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માટે પણ મનોમંથન થાય તેવો વર્તારો છે. હાઈકમાન્ડની બેઠક વેળાએ એક નેતા માંદા પડતાં તેઓ દિલ્હી પહોંચ્યા નથી.
ગુજરાત વિધાનસભાના પરિણામો બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતની નેતાગીરીથી અત્યંત નારાજ છે. ગુજરાતની પ્રદેશ નેતાગીરી પર હાઈકમાન્ડને ભરોસો રહ્યો નથી એટલે જ નીતિન રાઉતની આગેવાનીમાં હાઈકમાન્ડે પોતે જ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી હતી અને હારના સાચા કારણો જાણવા આ ટીમને ગુજરાત મોકલવામાં આવી હતી. ટિકિટોમાં નાણાંની લેતીદેતી થયાના ચૂંટણી સમયે ખુદ કોંગ્રેસના જ આગેવાનોએ જાહેરમાં આક્ષેપો કર્યા હતા, કોંગ્રેસે મોકલેલી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી સમક્ષ પણ આગેવાનોએ આ મામલે ફરિયાદો કરી હતી, આમ ટિકિટોના વેપલાના આક્ષેપો સંદર્ભે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટને પણ હાઈકમાન્ડે ગંભીરતાથી લીધો છે. કોંગ્રેસના દહેગામના પૂર્વ ધારાસભ્યે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સામે ટિકિટ વહેંચણીમાં સોદાબાજીનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. ઉમેદવાર પસંદગીમાં સારા નહિ પણ મારાની નીતિ ચાલી હતી. અમદાવાદમાં પણ કેટલીક બેઠકો પર જાણીબૂઝી સાવ નબળા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી, જેના કારણે ભાજપના હરીફ ઉમેદવાર રીતસર ગેલમાં આવી ગયા હતા. દિલ્હીમાં કોંગ્રેસની મળેલી બેઠક વેળાએ ગુજરાત કોંગ્રેસના એક નેતા માંદા પડયા છે અને દિલ્હી પહોંચી શક્યા ન હોવાનું કોંગ્રેસના સૂત્રો કહે છે.