- જગદીશ ઠાકોર-અમિત ચાવડા હટાવો, કોંગ્રેસ બચાવો : દિલ્હીમાં રજૂઆત
- હાઈકમાન્ડ સાથેની બેઠકોનો દોર પૂરો થતાં જ નવા નામો વહેતા થયા
- કોંગ્રેસ ભવન સામે દેખાવો યોજી ટિકિટ વેચાયાના ગંભીર આક્ષેપો કર્યા હતા
ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં પરિવર્તનનું વાવાઝોડું ફુંકાવાની તૈયારી છે, આ સંદર્ભે પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ દિલ્હીથી પરત આવી પહોંચ્યા છે. દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ ગુજરાત કોંગ્રેસના વર્તમાન નેતાઓને હટાવી નવાને તક આપવા માટે ખુદ પ્રદેશના સિનિયરોએ રજૂઆતો કરી છે. કોંગ્રેસના જ આગેવાનોએ ગુજરાતમાં જનમંચ કાર્યક્રમો દેખાડા પૂરતા કરાઈ રહ્યાનો દાવો કર્યો હતો, એટલું જ નહિ પરંતુ આ કાર્યક્રમના પડદા-પોસ્ટરમાં રાહુલ ગાંધી તેમજ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તસવીરો ગાયબ કરી દેવાયાનો મુદ્દો રજૂ કર્યો હતો. આ બાબતને હાઈકમાન્ડે ગંભીરતાથી લીધી છે. સાથે જ કોંગ્રેસ પક્ષના હિતમાં પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાને બદલવાની માગણી કરવામાં આવી છે.
કર્ણાટકના ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં નવા સંગઠન માટે મનોમંથન શરૂ કર્યું છે, દિલ્હીની બેઠક બાદ નવા નેતાઓના નામ ફરતાં થયા છે. આગામી દિવસોમાં આ અંગે નિર્ણય જાહેર કરાશે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના જ આગેવાનોએ વર્તમાન નેતાગીરી પર માછલાં ધોતાં કહ્યું હતું કે, પ્રભારી રઘુ શર્માની કામગીરીમાં કોઈ ભલીવાર નથી, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના વડપણમાં ગુજરાત કોંગ્રેસ સરિયામ નિષ્ફળ સાબિત થઈ છે, ચૂંટણી પરિણામો અત્યંત દુઃખદ આવ્યા છે, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ નીવડયા છે, તેમની કામગીરીથી કેટલાક ધારાસભ્યોમાં રોષ છે અને આગામી દિવસોમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ભાજપ ભેગા થવાના છે. અત્યારે પણ કેટલાક પૂર્વ ધારાસભ્યો ભાજપ ભેગા થઈ રહ્યા છે. પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા જનમંચના કાર્યક્રમો યોજી રહ્યા છે પણ આ કાર્યક્રમોના પડદા-પોસ્ટરમાં રાહુલ ગાંધી, પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તસવીરોની બાદબાકી કરાઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓએ 35 જેટલી બેઠકો પર નાણાંની લેતીદેતી કરી હતી, ખુદ કોંગ્રેસના આગેવાનો-હોદ્દેદારોએ પાલડી સ્થિત કોંગ્રેસ ભવન સામે દેખાવો યોજી ટિકિટ વેચાયાના ગંભીર આક્ષેપો કર્યા હતા