- સત્તાધીશોએ મોટા ઉપાડે જાહેરાત કરીને વાહવાહી લૂંટી લીધી
- સારા ઉદ્દેશ્ય સાથે કરાયેલી જાહેરાતનું બાળમરણ થયા જેવી સ્થિતિ
- ઓનલાઇન પ્રવેશ માટે ચોક્કસ અધ્યાપકને જવાબદારી સોંપવામાં આવી હતી
યુનિવર્સિટીમાં વર્ષ 2022-23માં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જાહેરાત કરાઇ હતી કે, હવે પછી યુનિવર્સિટી દ્વારા આર્ટસ, કોમર્સ સહિતના જુદા જુદા અભ્યાસક્રમો ઓનલાઇન શરૂ કરવામાં આવશે. માત્ર ગુજરાત નહીં પરંતુ દેશ-વિદેશના કોઇપણ ખુણે બેસીની વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી મેળવી શકશે. પરંતુ વાસ્તવિક સ્થિતિ એવી છે કે, હજુ સુધી એકપણ કોર્સ સંપૂર્ણ ઓનલાઇન શરૂ કરાયો નથી. એટલુ જ નહીં, આગામી દિવસોમાં ક્યારે શરૂ થશે તે પણ નક્કી નથી. સામાન્ય રીતે ઓનલાઇન કોર્સ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ કયા કોર્સ ઓનલાઇન શરૂ થશે, તેની રૂપરેખા, પ્રવેશ, ફી, પરીક્ષા, વર્ગો સહિતની જાણકારી અને માહિતી પણ જાહેર કરાઇ નથી. હાલમાં યુનિવર્સિટીએ આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતના રેગ્યુલર કોર્સમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રવેશ માટેની માહિતી પુસ્તિકા કે વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારીમાં પણ ઓનલાઇન કોર્સ કયારે શરૂ થશે, નહીં થાય, કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફળવવામાં આવશે તેની કોઇ વિગતો કે ઉલ્લેખ સુદ્ધાં કર્યો નથી. સૂત્રો કહે છે કુલપતિ દ્વારા જે તે સમયે ઓનલાઇન પ્રવેશ માટે ચોક્કસ અધ્યાપકને જવાબદારી સોંપવામાં આવી હતી. આ અધ્યાપકે આજ સુધી કોઇ કામગીરી કરી નથી.