- પાર્ટી સાથેના કોન્ટ્રાક્ટ્સ, વ્યવહારોની ત્રણ વર્ષની વિગતો દર્શાવી નથી
- ઉપરાંત પૂર્ણ સમયના ડિરેક્ટર વિનીત જૈનને પણ દંડનો ROCનો આદેશ
- કંપનીના દરેક ડિરેક્ટર પ્રત્યેક નાણાંકીય વર્ષ માટે અલગથી દંડ માટે જવાબદાર હોવા જોઈએ
અદાણી પાવર અને તેના અધિકારીઓએ, કોન્ટ્રાક્ટના રજિસ્ટરમાં સંબંધિત પક્ષકારોના કોન્ટ્રાક્ટ અને વ્યવહારો અંગેની વિગતો નહીં દર્શાવીને કંપનીઝ એક્ટ, 2013ની જોગવાઈઓનો ભંગ કર્યો હોવાનો ચાલુ મહિનાના પ્રારંભમાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (ગુજરાત)ના રૂલિંગમાં નિર્દેશ કરાયો છે. રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ (ગુજરાતના) ઓફિસરે અદાણી પાવરના ચેરમેન અને ડિરેક્ટર ગૌતમ અદાણી, મેનેજિંગ ડાયરેક્ટર રાજેશ શાંતિલાલ અદાણી અને પૂરા સમયના ડિરેક્ટર વિનીત એસ જૈન પ્રત્યેકને રૂ. 75,000નો દંડ ફ્ટકાર્યો છે.
અદાણીના પ્રવક્તાએ જણાવ્યું છે કે, કંપનીએ, 2017-18, 2018-19 અને 2019-20ના નાણાંકીય વર્ષના ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટમાં પર્યાપ્ત વિગતો દર્શાવી છે. તમામ સંબંધિત પક્ષકારોના વ્યવહારો તરત ઉપલબ્ધ થાય તે પ્રકારે અને રાબેતા મુજબ વ્યવસાય ક્રમમાં દર્શાવવામાં આવ્યા છે. આમ કંપનીઝ એક્ટ, 2013 ની કલમ 188 ની જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવતી નથી. પર્યાપ્ત ટેકનિકલ આધાર વિના કંપનીના ડિરેક્ટરો પર દંડ કરવાના ROCના તા. 16 મે, 2023ના રોજના આદેશ સામે અપીલ ફાઈલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
ROC એ ચુકાદો આપ્યો હતો કે, કંપનીએ 2017-18, 2018-19 અને 2019-20 નાણાંકીય વર્ષમાં જુદા જુદા સંબંધિત પક્ષકારો સાથે કોન્ટ્રાક્ટ્સ અને વ્યવહારો કર્યા હતા, પરંતુ કંપનીઝ એક્ટ, 2013ની કલમ-189 હેઠળ કોન્ટ્રાક્ટના રજિસ્ટરમાં વિગતો દર્શાવી નથી. કોન્ટ્રાક્ટના રજિસ્ટરમાં કોન્ટ્રાક્ટ અને વ્યવસ્થા અંગેની વિગતો દર્શાવવી દરેક કંપની માટે આવશ્યક છે.
ROC- ગુજરાતના ન્યાયિક અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં લીધા પછી એવું માનવાનું વાજબી કારણ છે કે કંપની અને તેના અધિકારીઓએ, કંપની એક્ટ, 2013 એક્ટની કલમ- 189ને 188 સાથે વંચાણે લેતાં જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું હતું. કોર્પોરેટ બાબતોના મંત્રાલયે, એપ્રિલ, 2018માં કંપની એક્ટની કલમ 206(4) હેઠળ તપાસનો આદેશ આપ્યો હતો.
પેનલ્ટીની માત્રા નક્કી કરતાં, ROC એ નોંધ્યું હતું કે, રોકાણકારોની ફ્રિયાદનું નિરાકરણ કરવામાં વિલંબના પરિણામે નોટિસ અથવા નુકસાન દ્વારા થયેલ અપ્રમાણસર લાભ અથવા અયોગ્ય લાભ રેકોર્ડ પર ઉપલબ્ધ નથી. કંપની દ્વારા ન્યાયિક ઓફિસર સમક્ષ વ્યવસાયના વ્યવહારો અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા ન હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, કંપનીના દરેક ડિરેક્ટર પ્રત્યેક નાણાંકીય વર્ષ માટે અલગથી દંડ માટે જવાબદાર હોવા જોઈએ.