- સોલાના વેપારીએ 4.19 કરોડ ચૂકવી 750 ટન ચોખાનો ઓર્ડર આપેલો
- ઉઘરાણી કરી તો 65 લાખ ચૂકવ્યા પણ બાકી રકમના ધાંધિયા થતાં પોલીસ ફરિયાદ
- છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
સોલામાં ચોખાનો હોલસેલમાં ધંધો કરતા વેપારીએ ચેન્નાઇની કંપનીને બાસામતી ચોખાનો 750 ટન ઓર્ડર આપીને એડવાન્સમાં 4.19 કરોડ રૂપિયા પેમેન્ટ ચૂકવી આપ્યું હતું. પણ પેમેન્ટ મેળવ્યા બાદ પણ આ કંપનીએ ચોખાનો જથ્થો મોકલ્યો ન હતો. જેથી વેપારીએ પૈસાની ઉઘરાણી કરતા અંતે 65 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ બાકીના 3.54 કરોડ રૂપિયા આપવામાં ગલ્લાં તલ્લાં કરતા હતા. આ અંગે વેપારીએ સોલા પોલીસ સ્ટેશનમાં ચેન્નાઇની કંપનીના બન્ને માલિકો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠાના ઇડરના કનકભાઇ પટેલ સોલામાં ગણેશ મેરેડીયન ખાતે ઓફિસ ધરાવીને અનાજ અને ચોખાનો હોલસેલમાં ધંધો કરે છે. ચાર વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં અનાજ અને ચોખાનો હોલસેલમાં ધંધો કરતી ચેન્નાઇની એમ. જે. ટ્રેડર્સ નામની કંપનીના માલિક શેરૂમુગાસ્વામી મુરગેશન અને પલરાજ જગદીશન સાથે સંપર્ક થયો હતો. બાદમાં બન્ને વેપારીએ કનકભાઇને અલગ અલગ ચોખાના સેમ્પલ બતાવ્યા હતા. જેમાં પ્રિમિયમ બાસમતી ચોખા પસંદ આવતા કનકભાઇએ એમ. જે. ટ્રેડર્સના બન્ને માલિક સાથે ભાવતાલ નક્કી કર્યો હતો. બાદમાં કનકભાઇએ બન્ને વેપારીને 750 ટન બાસમતી ચોખાનો ઓર્ડર આપ્યો હતો.
જેથી બન્ને વેપારીએ એડવાન્સ પેમેન્ટનું કહેતા કનકભાઇએ એમ. જે. ટ્રેડર્સ કંપનીના બેંક એકાઉન્ટમાં રૂ.4.19 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં બન્ને વેપારીએ પેમેન્ટ મેળવ્યા બાદ પણ ચોખાનો જથ્થો મોકલ્યો ન હતો. આટલુ જ નહીં, કનકભાઇએ ચોખા અંગે પૂછતા કરતા ત્યારે બન્ને વેપારીઓ ગલ્લા તલ્લા કરતા હતા.
કનકભાઇએ પૈસા પાછા માંગતા અંતે 65 લાખ રૂપિયા આપ્યા હતા. આ અંગે કનકભાઇએ સોલા પોલીસ સ્ટેશનમાં શેરૂમુગાસ્વામી મુરગેશન અને પલરાજ જગદિશન વિરૂદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.