- ક્રિકેટપ્રેમીઓને રિટર્ન ટિકિટ મોંઘી પડી
- ચેન્નાઈથી મોટી સંખ્યામાં અમદાવાદ આવી પહોંચ્યા હતા
- ચેન્નાઈ તરફ જતી ફ્લાઈટોની ટિકિટ 20 હજારને પાર પહોંચી છે
શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ફાઈનલ માટે આવેલાં સેલિબ્રીટીઓ, વીવીઆઈપી સહિત અન્ય ક્રિકેટ પ્રેમીઓ મુંબઈ અને ચેન્નાઈથી મોટી સંખ્યામાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. રવિવારે વરસાદને પગલે મેચ રદ થતાં અમદાવાદ ખાતે રોકાવાની ફરજ પડતાં ફ્લાઈટો પણ રદ કરાવાની ફરજ પડી હતી. સોમવારે યોજાયેલી મેચ બાદ પરત ફરનાર લોકોની ફ્લાઈટ બુકીંગ માટેની ભીડ વધતાં ફ્લાઈટોના ભાવ એકાએક આસમાને પહોંચ્યા છે. ચેન્નાઈ તરફ જતી ફ્લાઈટોની ટિકિટ 20 હજારને પાર પહોંચી છે. જ્યારે મુંબઈની ફ્લાઈટોના ભાડામાં ત્રણ ઘણો વધારો થયો છે. આ રૂટો પર મોટા ભાગની ફ્લાઈટો પણ હાઉસફુલ જોવા મળી રહી છે. IPL ફાઈનલને પગલે અમદાવાદ એરપોર્ટ ચાર્ટડ પ્લેનોનો જમાવડો પણ જોવા મળ્યો હતો.
વરસાદને પગલે IPLની ફાઈનલ મેચ રદ થતાં સોમવારે ફરી યોજાઈ હતી. જે પગલે ઘણાં લોકો રાત્રી રોકાણ હોટેલમાં કરીને મંગળવારની વહેલી સવારની ફ્લાઈટો માટે લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. જે પગલે ફ્લાઈટો પણ પેક થવાની શરૂ થતાં જ મુંબઈ અને ચેન્નાઈના ભાડાઓ આસમાને પહોંચ્યા હતા. કેટલીક ફ્લાઈટો હાઉસફુલ થઈ હતી જ્યારે બાકીની ફ્લાઈટોમાં ભાડા 20થી 28 હજાર સુધી પહોંચ્યા હતા. જેને લઈને ક્રિકેટપ્રેમીઓને વધુ રકમ ચુકવીને ફ્લાઈટોમાં સીટ બુકીંગ કરાવાની ફરજ પડી હતી.