- શાસકોની અનિર્ણાયકતાને કારણે ચોમાસા પહેલાં બ્રિજનું ઈન્સ્પેક્શન થશે નહીં
- રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં તમામ બ્રિજના ઈન્સ્પેક્શનની દરખાસ્ત નામંજૂર
- ચોમાસા પહેલાં શહેરના તમામ 82 બ્રિજનું ઇન્સ્પેક્શન થશે નહીં
અમદાવાદના 82 ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ, રિવરબ્રિજનું ઈન્સ્પેક્શન કરવા બાબતે AMCના શાસકો અવઢવમાં છે. અમદાવાદમાં ચોમાસુ શરૂ થવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં શહેરમાં આવેલા બ્રિજોના ઇન્સ્પેક્શન અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. શહેરના તમામ બ્રિજના ઈન્સ્પેક્શન અંગે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ થયેલી દરખાસ્ત અગમ્ય કારણોસર મંજૂર કરવામાં નહીં આવતાં હવે ચોમાસા પહેલાં શહેરના તમામ 82 બ્રિજનું ઇન્સ્પેક્શન થશે નહીં.
મોરબીના ઝૂલતાં પુલની દુર્ઘટના બાદ રાજ્યના તમામ રેલવે ઓવરબ્રિજ રિવરબ્રિજ, અન્ડરબ્રિજ, કેનાલનો કલ્વર્ટ તથા ઓવરબ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિજો નબળા હોવાનું સામે આવતા નવા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના પગલે શહેરના તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન કરવાનું નક્કી કરાયું હતું. આગામી ત્રણ વર્ષ માટે તમામ બ્રિજોના સુપર વિઝન અને મોનિટરિંગ માટે ટેન્ડર પ્રક્રિયામાં આવેલી 6 જેટલી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપનીઓને આપવામાં આવનાર કામગીરીને ચર્ચાના નામે બાકી રાખવામાં આવી છે. ટેન્ડરમાં પંકજ એમ પટેલ, ગ્રીન ડિઝાઇન એન્ડ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ, આઈ આર ક્લાસ સિસ્ટમ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, માર્સ પ્લાનિંગ એન્ડ એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડ, એચસીપી ડિઝાઇન એન્ડ પ્લાનિંગ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે સંમતિ દર્શાવી હતી.