- લગ્નસરાની ચાલુ સિઝનનો હવે જૂન છેલ્લો મહિનો, પછી પાંચ માસનો વિરામ
- દિવાળી પછી દેવઊઠી એકાદશીથી નવી સિઝન, 27 નવેમ્બરે પહેલું મુહૂર્ત
- લગ્નસરાની ચાલુ સિઝનનો હવે છેલ્લો મહિનો રહેશે
ગરમીની સિઝનમાં લગ્નોની ધૂમ વચ્ચે લગ્નસરાની ચાલુ સિઝનનો હવે છેલ્લો મહિનો રહેશે. જૂન માસમાં 11 લગ્નમુહૂર્ત રહેશે અને 29મીએ દેવપોઢી એકાદશી સાથે જ હિન્દુ ચાતુમાર્સની શરૂઆત થશે. હિન્દુ ચાતુર્માસને પગલે પાંચ મહિના સુધી લગ્નોની શહેનાઇ ગુંજશે નહીં. દિવાળી પછી દેવઉઠી એકાદશીથી લગ્નસરાની નવી સિઝન શરૂ થશે.27 નવેમ્બરના રોજ લગ્નનું પહેલું મુહૂર્ત રહેશે.
હિન્દુ પંચાગ પ્રમાણે સામાન્યપણે ચાતુર્માસ, ધનારક કમૂરતા, મીનારક કમુરતા, ગુરુ અને શુક્રનો અસ્ત, હોળાષ્ટક એમ છ સંયોગ વેળાએ લગ્ન લેવાતા નથી. આ દિવસો દરમિયાન લગ્નકાર્યો વર્જિત મનાય છે. જે અંતર્ગત હવે જૂન માસમાં 11 લગ્નમુહૂર્ત પછી 29 જૂનથી ચાતુર્માસનો આરંભ થશે. જૂન માસમાં 3, 6, 7, 8, 11, 12, 13, 23, 26, 27 અને 28 એમ વિવિધ તારીખે 11 લગ્નમુહૂર્ત છે. આ માન્યતા અને પરંપરા પ્રમાણે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં પોઢી જતાં હોય દિવાળી પછી આવતી દેવઊઠી એકાદશી સુધી હિન્દુ ચાતુર્માસ ઉજવવામાં આવે છે. આ ચાર મહિના વેળાએ લગ્નકાર્યો કે મુહૂર્ત લેવાતા નથી.