- 15 એપ્રિલે જંત્રીના દર સુધારાયા પછી TDR અંગે મૂંઝવણ સર્જાઈ હતી
- TDR મુદ્દે AMC, રીઅલ એસ્ટેટની માગણીને પગલે સરકારની સ્પષ્ટતા
- આ ઠરાવને લીધે ઘણા પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા સરળ બનશે
શહેરમાં સ્લમ રીડેવલપમેન્ટ માટે જારી કરાયેલા ટેન્ડરની તારીખે અમલી હોય તે કિંમતના આધારે ટ્રાન્સફ્રેબલ ડેવલપમેન્ટ રાઈટ્સ (TDR) માટે જંત્રીના દર ગણવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિયલ એસ્ટેટ ઉદ્યોગની માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે TDR મુદ્દે સ્પષ્ટતા કરવાને પરિણામે TDR માટે જંત્રીના દર અંગે પ્રવર્તતો ગૂંચવાડો દૂર થયો છે. 2013ના પરિપત્ર મુજબ, ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસ માટે મેળવેલા TDRએ જંત્રી દરો આકર્ષ્યા હતા જે પુનઃવિકાસના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારે અમલમાં હતા. બિલ્ડરોને ભવિષ્યના કોઈપણ પ્રોજેક્ટ માટે તે ચોક્કસ દરે TDRનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
જોકે, જ્યારે રાજ્ય સરકારે તા.15 એપ્રિલે જંત્રી દરોમાં સુધારો કર્યો ત્યારે મૂંઝવણ ઊભી થઈ હતી અને ત્યારપછી જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું હતું કે, તા. 15 એપ્રિલ પહેલાં શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાં TDR હજુ પણ જૂના જંત્રી દરોને આધીન રહેશે. આનાથી રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે અસ્પષ્ટતા ઊભી થઈ હતી કે, જેમને એ જાણવાની જરૂર હતી કે શું તેઓ 15 એપ્રિલ પછી શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સ માટે જૂના જંત્રીના દરે તેમના TDRનો ઉપયોગ કરી શકે છે કે નહીં. ક્રેડાઈ અમદાવાદના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, આ ઠરાવને લીધે ઘણા પ્રોજેક્ટ્સની મંજૂરી પ્રક્રિયા સરળ બનશે.