Sunday, December 22, 2024

REGISTRATION NUMBER.: RNI - GUJGUJ/2009/30934

ટેસ્ટ ક્રિકેટ નો જય હો

ટેસ્ટ ક્રિકેટનો જય હો
લેખક-મહેન્દ્ર બગડા

હાલ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક ટેસ્ટ ક્રિકેટની સિરીઝ ચાલી રહી છે. ક્રિકેટપ્રેમીઓ માટે સૌથી ઉત્સુકતા ધરાવતી સિરીઝ એટલે ભારત-પાકિસ્તાન અને પછીના ક્રમે ભારત-ઑસ્ટ્રેલિયા. જૂના ક્રિકેટપ્રેમીઓને યાદ હશે કે ભારત મોટે ભાગે શિયાળામાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે જતું અને મોટા ભાગના ક્રિકેટરસિકો વહેલા સાડા ચાર વાગ્યે ઊઠી રેડિયો પર ડેનિસ લીલીની ઝંઝાવતી બોલિંગની રનિંગ કૉમેન્ટરી સાંભળતા. હિન્દીમાં સુશીલ દોશી એટલે કૉમેન્ટરીનો અમિતાભ બચ્ચન કહેવાય. રેડિયો પર તેની રનિંગ કૉમેન્ટરી સાંભળી શ્રોતાને સાક્ષાત્ મેદાનમાં હોય તેવી અનુભૂતિ કરાવતા. અગલી ગેંદ, લેગ સ્ટમ્પ કી લાઇન પે ટપ્પા ખાને કે બાદ બાહર કી તરફ નિકલી… અને માલ્કમ માર્શલની કાનપુર ટેસ્ટમાં ટેરર ફાસ્ટ બોલિંગ અને ગાવસ્કરનું હિમાલયની જેમ અડીખમ ઊભું રહેવું અને સાવ ગામડાથી ક્રિકેટ રમવા આવેલા અંગ્રેજી નહીં આવડતા કપિલ દેવ. દિલીપ દોશી અને કિમ હ્યુજ અને માથા પર પટ્ટી પર વેસેલીન લગાવી બોલિંગ કરતો લીવર અને તેનો વિવાદ. ક્રિક્રેટે પેઢીઓને ઘેલું કર્યું હતું અને છે.

અંગ્રેજી કૉમેન્ટરીમાં કલકત્તામાં કિશોર ભીમાણી, બેરી સરબાધીકારી, પીઅરસન સુરીતા. મદ્રાસમાં અંગ્રેજી કૉમેન્ટરીમાં આનંદ રાવ, બાલુ. દિલ્હીમાં નરોત્તમ પુરી, અનુપમ ગુલાટી, જ્યારે બૉમ્બેમાં સુરેશ સરૈયા, આનંદ સેતલવાડ વગેરે. સુરેશ સરૈયા અંગ્રેજી કૉમેન્ટરી આપતા છતાં સાવ ગામડાનો અભણ માણસ તેના અવાજથી ઓળખી જતો કે કૉમેન્ટરી સુરેશ સરૈયા આપી રહ્યા છે. કરોડો ભારતીયો કે જેઓને અંગ્રેજીનો એક અક્ષર આવડતો ના હતો તેઓ રેડિયો પર કૉમેન્ટરી સાંભળતા અને સમજી જતા હતા.
ક્રિકેટ ભારતીય માટે ધર્મથી પણ વધુ છે. દરેક ભારતીયના લોહીમાં ક્રિકેટ વહી રહ્યું છે. પછી ટ્વેન્ટી-ટ્વેન્ટી હોય, વન-ડે કે પછી ટેસ્ટ ક્રિકેટ. પરંતુ ક્રિકેટના જૂના અને સાચા રસિયાઓ માટે ટેસ્ટ ક્રિકેટ એ જૂના શરાબ અથવા તો ક્લાસિકલ મ્યુઝિક જેટલી પ્રિય છે. ટ્વેન્ટી-ટ્વેન્ટી એ નવયુવાનો અને ક્રિકેટના ઉન્માદી રસિયાઓની ફૉર્મેટ છે. જ્યારે ક્રિકેટના અસલી ચાહકો માટે તો ટેસ્ટ ક્રિકેટ એ પ્રિય ફૉર્મેટ છે.
જે રીતે ક્રિકેટ ફાસ્ટ થઈ રહ્યું છે અને પિચનું નિર્માણ થઈ રહ્યું છે તે રીતે હવે ડ્રૉ જતી મૅચો ઇતિહાસમાં સમાઈ ગઈ છે. છેલ્લી ત્રણે ટેસ્ટનું રિઝલ્ટ ત્રીજા દિવસે આવી ગયું. ટેસ્ટ ક્રિકેટ પણ હવે રોમાંચક તબક્કામાં પહોંચી ગયું છે. નવી પેઢીના ક્રિકેટરસિકોને ખબર નહીં હોય કે પહેલાં ટેસ્ટ મૅચમાં કુલ છ દિવસ લાગતા હતા. એક દિવસ રેસ્ટ ડે હતો. પછી તે કૅન્સલ કરવામાં આવ્યો.
પરંતુ ટેસ્ટ ક્રિકેટ ફરી લોકપ્રિય થઈ રહી છે અને વધુ ને વધુ લોકો ક્રિકેટ સાથે સંકળાય તે માટે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહની મહેનત અને તેનો ઉત્સાહ આનંદ પ્રેરક છે. વધુ ને વધુ લોકો ક્રિકેટ સાથે સંકળાય અને માત્ર ટીવી પર જ મૅચ જોઈ સંતુષ્ટ ન થાય તે માટે બીસીસીઆઇ અને કેટલાક ક્રિકેટપ્રેમીઓ દ્વારા એક નવતર પ્રયોગ થયાનું જાણવા મળી રહ્યું છે.
મોટા ભાગના ભારતીય જે ક્રિકેટના દીવાના છે તેઓ ક્રિકેટને પહેલાં રેડિયો પર સાંભળતા હતા અને પછી ટીવી પર જોતા થયા. મૅચ મેદાન પર જઈ જોવાનું દરેક ભારતીયનું એક સ્વપ્ન હોય છે. જેમ ગરીબ ખેતમજૂરના દીકરાઓને ડૉક્ટર અથવા તો પાઇલટ થવાનું સ્વપ્ન હોય તેમ દરેક ભારતીયને એક વખત મેદાન પર જઈ રૂબરૂ મૅચ જોવાનું સ્વપ્ન હોય છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટ મોટે ભાગે ચાર મેટ્રો સિટીમાં જ રમાતી આવી છે. પાછળથી ભોપાલ, રાજકોટ, વિશાખાપટ્ટનમ્ વગેરે જેવાં નાનાં શહેરોમાં બે-ચાર વર્ષે એકાદ મૅચ આવે, પરંતુ મોટે ભાગે તો આ મૅચ મેટ્રો સિટીમાં જ રમાતી હોય તથા ભદ્ર અને સંપન્ન પરિવાર જ આ મૅચનો આનંદ લેતા હોય છે.
પ્રથમ વખત જય શાહની મહેનત અને તેની ધગશથી સાવ સામાન્ય અને છેવાડાના ગામડે રહેતો માણસ ટેસ્ટ ક્રિકેટનો આનંદ માણી શકશે. આ માટે સત્તાધારી પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કેટલાક સંપન્ન ક્રિકેટપ્રેમી ઉદ્યોગપતિ દ્વારા આગામી નવ માર્ચના રોજ અમદાવાદમાં યોજાયેલી ટેસ્ટ મૅચ જોવા માટે ગુજરાતના દરેક તાલુકા કક્ષાએથી સામાન્ય માણસને વિનામૂલ્યે મેચ જોવા લઈ જવાની તૈયારીઓ આરંભાઈ હોવાની માહિતી મળી છે.
દરેક તાલુકા સેન્ટર પર કોઈ સક્ષમ ક્રિકેટપ્રેમી અથવા તો ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા ગામડે-ગામડેથી ક્રિકેટપ્રેમીઓને અમદાવાદ મૅચ જોવા લઈ જવાનું આયોજન થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ જેમની આર્થિક સ્થિતિ સારી ન હોય તેના માટે સ્થાનિક સ્પૉન્સરશિપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક ક્રિકેટપ્રેમીને રસ્તામાં ભોજન અને ટ્રાન્સપૉર્ટેશનની પણ સગવડ નિ:શુલ્ક કરી આપવા માટે કેટલાક ક્રિકેટપ્રેમી દાતાઓ આગળ આવ્યા છે.
જે લોકોએ ક્રિકેટ મૅચ માત્ર ને માત્ર રેડિયો પર સાંભળી હતી અથવા તો ટીવી પર જોઈ હતી તેમના માટે આ એક સ્વપ્ન સમાન સાબિત થશે કે તેઓ રૂબરૂ પોતાના પ્રિય ક્રિકેટરોને રમતા જોઈ શકશે. આ માટે જય શાહનો ક્રિકેટપ્રેમીઓ જેટલો આભાર માને તેટલો ઓછો ગણાય, કારણ કે આ લખનાર સહિતના તમામનું એક છૂપું સ્વપ્ન હોય કે ભારતીય ટીમ મેદાન પર રમતી હોય તે સ્ટૅડિયમમાં જઈ લાઇવ મૅચ જોવા મળે, થૅન્ક્સ ટુ જય શાહ. લાખો લોકો મેદાનની સામે બેસી મૅચ જોઈ શકશે.
જય શાહ દ્વારા બીજું પણ એક સ્તુત્ય પગલું લેવામાં આવ્યું અને તે પગલું એટલે મહિલા ક્રિકેટને પ્રોત્સાહન. અનેક સાવ ગરીબ અને અંતરિયાળ વિસ્તારની બેટીઓ ક્રિકેટ રમી રહી છે, જેમને કોઈ પ્લૅટફૉર્મ નહોતું મળતું તેમને જય શાહના પ્રયાસથી સન્માન , ધન અને કીર્તિ પ્રાપ્ત થઈ રહ્યાં છે. મહિલા ક્રિકેટરો પણ ફિલ્મસ્ટાર જેવું સ્ટારડમ ભોગવી રહ્યા છે જેનો યશ જય શાહને મળે છે.
ખેર, જે કોઈ ક્રિકેટપ્રેમીઓ આર્થિક રીતે સંઘર્ષ કરતા હોય અને ટેસ્ટ મૅચ જોવા માગતા હોય તેમણે તેમના તાલુકાના કોઈ પણ ક્રિકેટપ્રેમી આગેવાન અથવા તો ધારાસભ્ય કે સંસદસભ્યની ઑફિસે તપાસ કરાવી માહિતી મેળવી લેવી. પરંતુ આ પ્રયોગ અદ્ભુત છે. સાવ સામાન્ય માણસો પણ સ્ટૅડિયમમાં બેસી ચોક્કા અને છક્કા લાગવા પર તાળીઓ પાડી પોતાના પ્રિય ક્રિકેટરનો જુસ્સો વધારી શકશે. અગેઇન થૅન્ક્સ ટુ જય શાહ.

લેખક પ્રસિદ્ધ tv જર્નલિસ્ટ અને લોકપ્રિય tv શો ભાઈ ભાઈના એન્કર છે. વહાટ્સએપ પ્રતિભાવ માટે 9909941536

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સ્વસ્તિકસાપ્તાહિક/SNNews સાથે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,906FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles