- બોડકદેવના વેપારીની ધરપકડ કરી તામિલનાડુ ફોરેસ્ટ વિભાગને સોંપાયો
- પ્રકાશના સંબંધો ચંદનચોર વીરપ્પનની ગેંગ સાથે હોવાનું તપાસમાં ખૂલ્યું
- કેસમાં પ્રકાશ વોન્ટેડ હોવાથી હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે
વન્ય પ્રાણીઓના અંગોની તસ્કરી કરનાર પ્રકાશ જૈનની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને તામિલનાડુ ફોરેસ્ટ વિભાગને સોંપ્યો છે. તામિલનાડુ ફોરેસ્ટ વિભાગે ગત એપ્રિલ માસમાં વન્ય પ્રાણીઓના અંગોની તસ્કરી કેસમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી. તે કેસમાં પ્રકાશ વોન્ટેડ હોવાથી હાલમાં તેની ધરપકડ કરવામાં આવી છે. હાથીદાંત તેમજ વન્ય પ્રાણીના અંગોની જરૂરીયાત પડે ત્યારે પ્રકાશ વિરપ્પન ગેંગનો સંપર્ક કરતો હોવાનું તપાસમાં સામે આવ્યુ છે.
બોડકદેવમાં રહેતો પ્રકાશ કાકલીયા ઉર્ફે પ્રકાશ જૈન એન્ટિક વસ્તુઓ વેચતો હતો. દોઢ મહિના પહેલા પ્રકાશને ક્રાઇમ બ્રાન્ચે જુહાપુરામાંથી 35 લાખ કિંમતના હાથી દાંત સાથેા ધરપકડ કરી હતી. બાદમાં પ્રકાશ એક મહિનો જેલમાં રહ્યા બાદ જામીન પર બહાર આવ્યો હતો. બીજી તરફ, તામિલનાડુના તિરૂચીરાપલ્લી રેન્જના ફોરેસ્ટ વિભાગે ગત એપ્રિલ માસમાં આઠ શખ્સો વિરૂદ્ધ હાથી દાંત, વાઘનું ચામડુ, હરણના શિંગડા અન શિયાળની પૂંછની તસ્કરી કેસમાં ફરિયાદ નોંધી હતી. બાદમાં સાત આરોપીઓની ધરપકડ કરીને કરોડો રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો. પ્રકાશ જૈનને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડાયો હોવાની જાણ તમિલનાડુ ફોરેસ્ટ વિભાગને થઇ હતી. આથી તમિલનાડુ ફોરેસ્ટ વિભાગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીને આરોપી પ્રકાશ જૈનની ધરપકડ કરવા મદદ માંગી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે પ્રકાશને બોડકદેવ પાસેથી ઝડપી પાડીને તામિલનાડુ ફોરેસ્ટ વિભાગને સોંપ્યો છે. મહત્વનું છે કે, વર્ષ 1992થી 2006 સુધીમાં તામિલનાડુ રાજ્યના સેલમ વિસ્તારમાં રહેતો હતો અને ચંદન ચોર વિરપ્પનના ગામ કોલતુર ખાતે અવાર નવાર જતો તેમજ વિરપ્પનની પત્નીના નામથી વાકેફ હતો. પ્રકાશને વધારે માત્રામાં હાથીદાંત જોઇતો હોય તો તે વિરપ્પનની ગેંગના માણસો પાસેથી મંગાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.