- હરિદ્વારની યાત્રાના બહાને વૃદ્ધો સાથે છેતરપિંડી કરતો
- કલોલના દર્પણ પંડયા સામે અમદાવાદમાં પણ ગુના નોંધાયા છે
- 2 બાય 2 એસી બસના ફોટા પણ મોકલી અપાયા હતા
હરિદ્વાર સહિતની ધાર્મિક યાત્રાના બહાને નાણાવટના વૃદ્ધ સાથે છેતરપિંડી કરનારા ગાંધીનગરના ટ્રાવેલ એજન્ટની લાલગેટ પોલીસે ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે નાણાવટમાં રહેતા પિયુષકુમાર ચંપકલાલ જરીવાલા (63) બીએસએનએલના નિવૃત્ત કર્મચારી છે. અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર ફોટો મોકલી અલગ-અલગ તીર્થ યાત્રાની માહિતી અપાઇ હતી. હરિદ્વાર, મથુરા, અયોધ્યા, રહેવા-જમવા સહિતની 2500 રૂપિયામાં 7 દિવસની યાત્રાનું પેકેજ અપાયું હતુ.
2 બાય 2 એસી બસના ફોટા પણ મોકલી અપાયા હતા. પિયુષભાઇ આ યાત્રામાં જવા ઇચ્છતા હોય ગૂગલ પે દ્વારા ૫ હજાર ટ્રાન્સફર પણ કરાયા હતા. સામેવાળી વ્યક્તિએ ટિકિટ બુક થઇ ગઇ હોવાની માહિતી આપી હતી પણ પેમેન્ટની રસીદ આપી ન હતી. ત્યારબાદ કોલ કરે તો બિમાર હોવાનું કહીં વાતો ટાળતા હતા. ટૂર ઉપડવાની વહેલી સવારે કાકાનું મૃત્યુ થઇ ગયું છે, ટૂરના નાણાં પરત કરી દેવાશે એવો મેસેજ કરાયો હતો. જોકે, ત્યારબાદ નાણાં રિટર્ન નહિ કરવા સાથે ફોન પણ રિસીવ નહીં કરાતા મામલો લાલગેટ પોલીસમાં પહોંચ્યો હતો. જે ગુનામાં પોલીસે ગતરોજ દર્પણ સુધીર પંડયા (ઉ.વ.31, રહે- મોતીલાલ પાર્ક, કલોલ, ગાંધીનગર)ની ધરપકડ કરી હતી. ટ્રાવેલ એજન્ટ દર્પણ સામે અમદાવાદના સેટેલાઇટ પોલીસ મથકમાં પણ ઠગાઇનો ગુનો
નોંધાયો હતો.