- રજૂઆતો, વાંધા ધ્યાને લીધા વિના જ કાર્યવાહી, મસ્જિદ તોડીઃ અરજદાર
- હાઈકોર્ટે અર્જન્ટ હિયરિંગની માગ સ્વીકારી, આજે સુનાવણી થશે
- અધિકારીઓ જરૂરી તમામ દસ્તાવેજ સાથે સુનાવણી સમયે હાજર રહે
દાહોદમાં સ્માર્ટ સીટી પ્રોજેકટ હેઠળ સ્થાનિક સત્તાધીશો દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. અરજદારે આ અરજી પર અરજન્ટ સુનાવણીની માગ કરતા, હાઈકોર્ટે તેને ગ્રાહ્ય રાખી છે અને આ અરજી પરની સુનાવણી 23 મેએ રાખી છે. હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે સંબંધિત અધિકારીઓ જરૂરી તમામ દસ્તાવેજ સાથે સુનાવણી સમયે હાજર રહે.
અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે, દાહોદને સ્માર્ટ સિટીમાં ફરવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયેલો છે. જે અંતર્ગત સ્થાનિક તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરેલી છે. જેમાં, દબાણોન સાથે સાથે ધાર્મિક સ્થાનો (દરગાહ) અને મસ્જિદને પણ હટાવાઈ રહ્યા છે. આ કાર્યવાહી દરમિયાન દાહોદમાં સ્થિત અંદાજે 100 વર્ષ જૂની નગીના મસ્જિદને પણ તોડી પડાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા રજૂઆતનો પણ મોકો આપ્યો નથી અને લોકોને સાંભળ્યા વગર અથવા તો તેમના સૂચનો ધ્યાને લીધા વગર આ તમામ કાર્યવાહી થઈ રહી છે. આ મુદ્દે તાત્કાલિક સુનાવણી કરો અને અસરગ્રસ્ત લોકોને રાહત આપો.
મહત્વનું છે કે, દેશમાં નેશનલ સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત 100 શહેરોને સ્માર્ટસિટી બનાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયેલો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના છ શહેરોનો સમાવેશ કરાયેલો છે. જેમાં, ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને દાહોદનો સમાવેશ થાય છે.