- ગુજરાતના 35 ટકા અને ભારતના 3 ટકા ઈલેક્ટ્રિક વ્હિકલ સુરતમાં
- નીતિ આયોગ દ્વારા સમગ્ર દેશમાંથી નવ શહેરોની પસંદગી કરવામાં આવી
- સુરતમાં ઇવીને તમામ સવલત ઉભી કરાઈ
પરિવહનને મુદ્દે સુરત દેશના અન્ય શહેરોની તુલનાએ ઝડપથી આગળ વધી રહ્યું છે. સુરત સિટીમાં ઈલેક્ટ્રિક વ્હિકલનો ગ્રાફ પણ સતત ઉપર તરફ જઇ રહ્યો છે. ભારત સરકાર દ્વારા પણ તેની વિશેષ નોંધ લેવામાં આવી છે. કેન્દ્ર સરકારે સુરત શહેરને ભારત દેશનું સૌપ્રથમ ઇવી સ્માર્ટ સિટી બનાવવા ઉમ્મીદ વ્યક્ત કરી છે. આ માટે સમગ્ર દેશમાંથી પસંદગી પામેલા કુલ નવ શહેરોમાં સુરત સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત શહેરની સડક ઉપર ગુજરાતના 35 ટકા અને દેશના 3 ટકા ઇલેક્ટ્રીક વ્હિકલ દોડી રહ્યાં હોવાનું નોંધાયું છે. ઈલેક્ટ્રિક વ્હિકલને મુદ્દે સુરત મહાપાલિકા દ્વારા પણ શહેરમાં સારી કામગીરી થઇ રહી છે. શહેરમાં નવા ખરીદાઇ રહેલા વ્હિકલોમાં પર્યાવરણની જાળવણીને મુદ્દે વધુમાં વધુ ઇ-વ્હિકલ ઓનરોડ થાય તે માટે શહેરીજનોને ઇ-ચાર્જિંગ સ્ટેશનથી માંડી, ફ્રી ટેક્સ અને ફ્રી પાર્કિંગની સવલત પાલિકા દ્વારા ઊભી કરાઇ છે. આ તમામ બાબતોને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા સુરત શહેરની ઇવી સ્માર્ટ સિટી બનાવવા માટે પસંદગી કરવામાં આવી હોવાનું મ્યુ. કમિશનરે જણાવ્યું હતું.