- આંતરિક મૂલ્યાંકનમાં સ્કૂલો ગેરરીતિ આચરતી હોવાની વિગતો સામે આવી
- વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનમાં 20માંથી 20 ગુણ આપવામાં આવ્યાં
- રાજ્યની આવી સ્કૂલોના આચાર્યોને શિક્ષણ બોર્ડ દ્વારા રૂબરૂ હાજર થવાનું ફરમાન
ધોરણ.10ના વિદ્યાર્થીઓને સ્કૂલો દ્વારા 20 માર્કસનું આંતરિક મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે, જે માર્કસ બોર્ડને મોકલવામાં આવે છે. 20 ગુણના આંતરિક મૂલ્યાંકનમાં સ્કૂલો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની વિગતો બોર્ડને ધ્યાનમાં આવી છે. જેમાં બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનમાં 20માંથી 20 ગુણ આપવામાં આવ્યાં છે. રાજ્યની આવી સ્કૂલોના આચાર્યોને શિક્ષણ બોર્ડ દ્વારા રૂબરૂ હાજર થવાનું ફરમાન પાઠવવામાં આવ્યું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં સ્કૂલોએ આપેલા આંતરિક ગુણમાં વિસંગતતા હોવાનું સામે આવ્યું છે. અનેક વિદ્યાર્થીઓને સ્કૂલોએ 20માંથી 20 ગુણ આપી દીધા છે, જ્યારે બોર્ડની પરીક્ષામાં તેઓ નાપાસ થયા છે. આ બાબત શિક્ષણ બોર્ડના ધ્યાને આવતા તેમણે તાત્કાકીલ આવી સ્કૂલોના આચાર્યોને વિદ્યાર્થીઓના પ્રથમ, દ્વીતીય પરીક્ષાની ઉત્તરવહીઓ, નોટબુક કે સબ્જેક્ટ રિલેટેડ થયેલી એક્ટિવીટીના દસ્તાવેજો, ઓનલાઈન ગુણાંકનની વિગતો, વિષય પ્રમાણે સર્વગ્રાહી પરિણામ પત્રકો લઈને રૂબરૂમાં બોલાવ્યા છે. જેથી સ્કૂલો દ્વારા તેમના આંતરિક ગુણ બરોબર આપ્યા છે કે નહીં તે બાબત સ્પષ્ટ થઈ શકશે. બોર્ડના પરિણામ સામે આવ્યા બાદ ઘણી વિસંગતતા જણાઈ આવતા બોર્ડ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.