- મહિલાના ત્યાં પડેલા ITના દરોડાના ન્યૂઝ ન છાપવા પૈસા માગ્યા
- અરજીની તપાસ કર્યા બાદ પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
- પ્રિયાબેને બંને સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદમાં એક યુવતીના ઘરે ગત દિવાળીએ ઇન્કમટેક્ષની રેડ પડી હતી. જે રેડ બાબતને લઇને બે લોકોએ યુવતીને ધમકી આપી અઢીથી ત્રણ કરોડની માગ કરી હતી. જો પૈસા ન આપે તો અલગ અલગ પ્રકારની ધમકીઓ પણ આપી હતી. જેને લઇને યુવતીએ નવરંગપુરા પોલીસને અરજી આપી હતી. જે અરજીની તપાસ કર્યા બાદ પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નવરંગપુરામાં રહેતા પ્રિયાબેન સોની ઘરે બેઠા આર્ટિસ્ટ તરીકેનું કામ કરે છે. તેમના ઘરે ગત દિવાળી પહેલાં ઇન્કમટેક્સની રેડ પડી હતી. જેને લઈને ઝેડ પ્લસ ન્યૂઝના નામથી યુ ટયુબ ચેનલ ચલાવનાર વિનય દુબે તથા પરિધિએ પ્રિયાબેનના ઘરે જઈ ત્રણ કરોડની માગણી કરી હતી. પૈસા નહીં આપો તો રેડના સમાચાર પબ્લિશ કરી તમને બદનામ કરી દઈશ તેવી ધમકી આપવા લાગ્યા હતા. આટલું જ નહિ પૈસા ન આપે તો મારી નાખવાની પણ ધમકી આપી હતી. બાદમાં એપ્રિલ મહિનામાં વિનય દુબે પ્રિયાબેનના ઘરે આવ્યો હતો અને તેમના ભાઈ રવિ સાથે વાત કરાવવાનું કહ્યું હતું. આ વિનયની સાથે અર્પણ પાંડે પણ હતો જે ખૂન કેસમાં છૂટયો હોવાનું કહી ખોટા કેસમાં ફ્સાવી દઈશ તો તમે નીકળી નહીં શકો તેવી ધમકીઓ આપી હતી. આ અંગે પ્રિયાબેને બંને સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.