- બંધ મકાનમાંથી 12 લાખની ચોરી કરનાર ત્રણ ઝડપાયા
- પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરીને આગળની તપાસ હાથધરી
- રાત્રે ત્રણેય ભેગા મળીને ચોરીને અંજામ આપતો હતો
નારણપુરામાં થોડાસમય પહેલા તબીબના ઘરેથી 12.50 લાખ ચોરી કેસમાં ઝોન 1 ડીસીપી સ્કોવર્ડની ટીમે ત્રણેય આરોપીઓને ઝડપી પાડયા છે. આરોપીઓએ ચોરી કરવા માટે પહેલા ફ્રુટની લારી લઇને રેકી કરીને મકાન બંધ હોવાનું કન્ફર્મ કર્યુ હતુ. બાદમાં રાત્રે ત્રણેય ભેગા મળીને મકાનનું તાળુ તોડીને ચોરી કરી હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરીને આગળની તપાસ હાથધરી છે.
નારણપુરામાં જીવનદિપ સોસાયટીમાં રહેતા એક તબિબ અને તેમનો પરિવાર ફરવા ગયો હતો ત્યારે તસ્કરોએ મકાનનું તાળુ તોડીને રૂપિયા 12.50 લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. બાદમાં તબિબે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ સ્થાનિક પોલીસને સફળતા મળી ન હતી. બીજી તરફ, ડીસીપી ઝોન 1ની સ્કોવર્ડે બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા ફ્રુટની લારી લઇને જતા ત્રણ શંકાસ્પદ શખ્સો નજરે ચડયા હતા. જેથી ડીસીપી સ્કોવર્ડે આરોપી ધર્મેશ ઉફ્ર્ જુગો, વિજય દંતાણી અને જયેશ ઉફ્ર્ બડીયો દાતણીયાએ રૂપિયા 12.50 લાખની ચોરી કર્યાનું ખુલ્યુ હતુ. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબુલ્યુ કે, તેઓ ફ્રુટની લારી લઇને અલગ અલગ વિસ્તારમાં ફરીને બેથી ત્રણ દિવસથી બંધ મકાનોની રેકી કરતા હતા. બાદમાં રાત્રે ત્રણેય ભેગા મળીને ચોરીને અંજામ આપતો હતો.