- EWSમાં ગેરકાયદે રહેનારા સામે પગલાં નહીં લેવા બદલ જવાબદારી નક્કી કરવા ચીમકી
- વીકલી રિવ્યુ મીટીંગમાં પમ્પિંગ સ્ટેશનોના એન્જિ. અધિકારીઓનો ઉધડો લીધો
- કમિશનર થેન્નારસને વિજિલન્સ તપાસ કરવાની તાકીદ કરી
શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ચાલતા ન હોવાની વ્યાપક ફરિયાદોને પગલે નારાજ થયેલા AMC કમિશનર એમ. થેન્નારસને પમ્પિંગ સ્ટેશનોની કામગીરી અંગે વિજિલન્સ તપાસ કરવાની સૂચના આપી છે. AMC અધિકારીઓ સાથેની વીકલી રીવ્યુ મીટિંગમાં મ્યુનિ. કમિશનરે, EWSના મકાનોમાં ગેરકાયદે રહેતા લોકો સામે એક સપ્તાહમાં કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપીને આ મામલે એસ્ટેટ- ટીડીઓ વિભાગ સહિત અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની ચીમકી આપી છે.
સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોચાલતા ન હોવા બાબતે કેટલાંક DYMCએ પણ ફરિયાદો કરતાં આ બાબતને અત્યંત ગંભીર ગણીને મ્યુનિ. કમિશનર થેન્નારસને વિજિલન્સ તપાસ કરવાની તાકીદ કરી છે. ખાસ કરીને નવાણા પમ્પિંગ સ્ટેશન લાંભા સહિત કેટલાંક પંપીગ સ્ટેશનોમાં ટ્રિપિંગ થવાની અને પમ્પિંગ સ્ટેશનો ચાલતા ન હોવાની વ્યાપક ફરિયાદો થઈ હતી. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં સફાઈ કામગીરી સંતોષકારક અને યોગ્ય રીતે થતી ન હોવા બદલ નારાજગી વ્યક્ત કરીને કમિશનરે કહ્યું કે, પહેલાં સફાઈ કામગીરી માટે આસિસ્ટન્ટ ડાયરેક્ટરો આપ્યા હવે ઝોનમાં ડેપ્યુટી ડાયરેક્ટરો પણ આપ્યા છતાં સારી અને વ્યવસ્થિત સફાઈ થતી નથી. EWS યોજનાના મકાનોમાં ગેરકાયદે ભાડે રહેતા લોકો સામે તત્કાળ પગલાં લેવા એક સપ્તાહની અવધિ આપીને આ મામલે અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની તેમણે તાકીદ કરી છે.