- અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ગળાના ભાગે કેન્સરના 14,500થી વધુ કેસ
- ફેફસાંના 10 પ્રકારના કેન્સરમાંથી 9 પ્રકારના કેન્સર ધૂમ્રપાનને લીધે થયા
- 18થી 40 વર્ષ સુધીના દર્દીની સંખ્યામાં વધારો
31મી મે એ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવાય છે, મોં અને ગળાના ભાગે કેન્સરનું મુખ્ય કારણ તમાકુ-ધુમ્રપાન તેમજ આલ્કોહોલનું વ્યસન છે. તમાકુનું સેવન જીવલણે છે, ધુમ્રપાન કેન્સર તેમજ ફેફસાં, હૃદય સહિતની બીમારીઓને આમંત્રે છે. તમાકુ-ધૂમ્રપાનનું સેવન રોકવા માટે જાગૃતિ કાર્યક્રમો કરાય છે, અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોં અને ગળાના ભાગે કેન્સરના 14,500થી વધુ કેસ નોંધાયા છે, વર્ષ 2020માં 3744, 2021માં 5444 અને 2022માં 5381 કેસ નોંધાયા છે. તબીબોનું કહેવું છે કે, બાળકોને સ્કૂલમાં તમાકુના નુકસાન વિશે સમજણ આપવી જોઈએ. એક અંદાજ પ્રમાણે પુરુષોમાં કેન્સરના 100 કેસમાંથી 40થી 50 જેટલા કેસ મોં અને ગળાના ભાગના કેન્સરના હોય છે.
તબીબોનું કહેવું છે કે, છેલ્લા બે ત્રણ વર્ષમાં મહિલાઓમાં પણ મોંના કેન્સરના કેસનું પ્રમાણ વધ્યું છે. પહેલાં દર દસમાંથી એક મહિલાને મોંના ભાગે કેન્સર હોવાનું સામે આવતું પણ હવે દર દસ કેસમાંથી ચાર કેસ આવે છે. પહેલાં 50થી 60 વર્ષની વયે કેન્સરના દર્દી વધુ જોવા મળતાં પણ આજે 18થી 40 વર્ષ સુધીના દર્દી વધ્યા છે. દેખાદેખીમાં તમાકુ અને ધુમ્રપાનના સેવન સહિતના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. દેશમાં એક અંદાજ પ્રમાણે 30 ટકા કેન્સરના કેસ તમાકુના કારણે થયા છે. મોં અને ગળાના ભાગે કેન્સરના વર્ષ 2012માં 7 ટકા જેટલા કેસ ઓપરેટ થતાં હતા, જે હવે 12થી 13 ટકા આસપાસ થયા છે. સિવિલની કેન્સર હોસ્પિટલના તબીબનું કહેવું છે કે, તમાકુના સેવનના કારણે બ્લડ પ્રેશર વધે છે, જલદી મોતિયો આવી જાય છે, પગની નસ સુકાય છે, ઘણાને ડાયાબિટિસ થયાનું પણ સામે આવ્યું છે. સિગારેટમાં નિકોટિન હોવાના કારણે તેના સેવનથી હાઈ બ્લડ પ્રેશરની શક્યતાઓ વધી જાય છે. ફેફસાંમાં થતાં 10 પ્રકારના કેન્સરમાં 9 પ્રકારના કેન્સર ધુમ્રપાનના કારણે થાય છે.