- હળવદમાં વીજ પોલ તૂટતા 17 ફિડર બંધ, લાઈટ ગુલ થતા પરેશાની
- સાબરકાંઠાના ઈડર અને પાટણનાં રાધનપુરમાં ઝાપટુ,
- રાજકોટમાં ધૂળની ડમરીઓ ઊડી
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મંગળવાર સવારનાં 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યનાં કુલ 32 તાલુકામાં વરસાદ વરસ્યો હતો જેમા અંજાર, પાલીતાણા અને ધોરાજીમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે બુધવારે પણ રાજ્યના 10 જેટલા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં બનાસકાંઠાના 7 તાલુકામાં અને પાટણના રાધનપુર તેમજ સાબરકાંઠાના ઈડરમાં વરસાદ વરસ્યો હતો. આ સિવાય કોડીનારના ડોળાસા, ગીર ગઢડામાં વરસાદી ઝાપટા પડયાં હતા. બીજી તરફ હળવદમાં વીજ પોલ તૂટતા 17 ફીડર બંધ થતાં લાઈટ ગુલ થઈ હતો તો રાજકોટમાં તેજ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. મોરબીમાં ટાવર કાર પર પડયો હતો.
મંગળવાર સવારનાં 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં બનાસકાંઠાનાં દાંતીવાડા, વડગામ, થરાદ, ડીસા, કાંકરેજ અને વાવ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ્યો હતો. આ સિવાય સાબરકાંઠાના ઈડર અને પાટણના રાધનપુર તાલુકામાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયાં બાદ વરસાદી ઝાપટુ પડયું હતુ.
હળવદમાં સવારે તોફની પવન ફુંકાતા ઘટાદાર વૃક્ષો ધરાશાયી થયા હતા તો 6 વીજ પોલ તૂટી ગયા હતા. જયારે 14 સ્થળે વીજતાર તૂટી ગયાની ફરિયાદો મળી હતી. જયારે 17 જગ્યાએ ફીડર બંધ થઇ જતા લાઈટ ગૂલ થઇ ગઈ હતી. જેથી લોકોને પરેશાની ભોગવવી પડી હતી. મોરબીમાં મીની વાવાઝોડામાં કલેકટર બંગલા પાછળ ટ્રેડ સેન્ટર પાસેનો જૂનવાણી ટાવર ધરાશાયી થઇ કાર પર પડયો હતો. ગીર ગઢડામાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કોડીનારના ડોળાસા અને આસપાસના ગામોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડયો હતો. રાજકોટ શહેરમાં વાતાવરણમાં પલટા સાથે ભારે પવન ફુંકાયો હતો.