- વાવાઝોડાના પગલે મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદના સંકેતો
- વરસાદની સાથે અનેક વિસ્તારમાં 50થી 60 કિમી.ની ઝડપે પવન પણ ફૂંકાશે
- વરસાદની સાથે સાથે દરિયાકંઠાના વિસ્તારોમાં તેજ પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે
અરબી સમુદ્રમાં સરર્જાયેલુ બિપરજોય વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ શરૂ થયો છે. આગામી ચાર દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતને છુટા છવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલા આગાહી મુજબ અમદાવાદ શહેરમાં પણ આજે શનિવારે રાત્રે અને રવિવારે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ સિવાય બે દિવસ બાદ ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. વરસાદની સાથે સાથે કાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાવાના સંકેતો પણ આપવામાં આવ્યાં છે. વાતાવરણમાં પલટો શરૂ થતાં આજે તાપમાનનો પારો પણ સામાન્ય નીચો ઉતર્યો છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ વાવાઝોડુ આગામી પાચ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠે અથડાવાની કોઈ શક્યતા નથી. પરંતુ વાવાઝોડાના કારણે પવનની અસર અને હળવો વરસાદ પડશે. જેમ જેમ વાવોઝાડુ આગળ વધશે તેમ તેમ પવનની ગતિમાં પણ વધારો થશે. હવામાન ખાતા દ્વારા રવિવારથી બુધવાર સુધીની વરસાદની કરાયેલી આગાહીમાં અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, નવસારી, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, ગાંધીનગર, પાટણ, આણંદ અને કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. વરસાદની સાથે સાથે દરિયાકંઠાના વિસ્તારોમાં તેજ પવન પણ ફૂંકાવાની શક્યતાઓ છે.