- વાવાઝોડું આવે તોય ઓછુ નુકશાન થાય, ના આવે તો સારું
- ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક
- બધા પ્રાર્થના કરજો કે આવે તો ઓછા નુકસાન સાથે નીકળી જાય
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની સ્થિતિ પર ગાંધીનગર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એક જાહેર સભામાં બિપરજોય વાવાઝોડા વિશે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વાવાઝોડું ગુજરાત બાજુ આવી રહ્યું છે. ત્યારે બધા પ્રાર્થના કરજો કે આવે તો ઓછા નુકસાન સાથે નીકળી જાય તો સારું
આ સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું કે, વાવાઝોડું આવે તોય ઓછુ નુકશાન થાય, ના આવે તો સારું. રાજ્યમાં વાવાઝોડાને લઈને તંત્ર એક તરફ સતર્ક થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ વાતાવરણમાં પલટો આવતા ઓખા બંદર પર ચાર નંબરનું ભયસુચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેની સાથે તમામ ટીમોએ પોતાનું સ્ટેન્ડ મેળવી લીધું છે. ઉલ્લેખનીય છે કે, કલેક્ટર તમામ પાસાઓ પર સીધી દેખરેખ સંભાળી રહ્યા છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ યોજી સમીક્ષા બેઠક
આ ઉપરાંત ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી હતી તેમાં આર્મી, નેવી અને એયર ફોર્સને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓને જવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત વડોદરામા વધારાની 3 ટીમ રિઝર્વ રહેશે. જેમાં દરિયાકિનારાના છ જિલ્લામાં શેલ્ટર હાઉસ છે એનો ઉપયોગ થશે અને તેમને ખસેડવાની અને તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી શાળાઓમાં રહેવાની વ્યવસ્થા જરુર પડે તો ઊભી કરવામાં આવશે.
દ્વારકામાં તંત્ર દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું
બિપોરજોય વાવાઝોડું દ્વારકાથી માત્ર 490 કિમી દૂર છે. ત્યારે દરિયામાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેમાં રાત્રે દરિયામાં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ વચ્ચે દ્વારકાના દરિયાકિનારે બિપોરજોય વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી શકે છે. જેને જોતાં જિલ્લા ક્લેકટર દ્વારા સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડા અંગે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓની સાથે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જરૂરી પૂર્વતૈયારીઓ માટે બેઠક યોજાઈ હતી.