- બે હજારની નોટ પાછી ખેંચાયા પછી બેન્કોને બેવડો માર પડવાનું નક્કી
- રિઝર્વ બેન્ક નોટ આપતી ન હોય બેન્કોમાં બે હજારની નોટનું પ્રમાણ વધી ગયું
- વધુ કેશ હોય તો રિઝર્વ બેન્કને વ્યાજ ચૂકવવું પડશે
બે હજારની નોટ ચલણમાંથી પાછી ખેંચાયા પછી બેન્કોને બેવડો માર પડવાનો છે. નક્કી કરેલી મર્યાદા કરતા વધુ કેશ હોય તો રિઝર્વ બેન્કને વ્યાજ ચૂકવવું પડશે. બીજી તરફ ગ્રાહકે તેના ખાતામાં પૈસા ભર્યા એટલે તેને પણ વ્યાજ ચુકવવું પડશે. હજુ આટલું ઓછું હોય તેમ રિઝર્વ બેન્ક પુરતી માત્રામાં રૂ.100, રૂ.200, રૂ.500ની નોટ આપતી નહીં હોવાના કારણે બેન્કોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. દરેક બેન્કોને રોકડ રાખવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મર્યાદા કરતા વધુ રોકડ રકમ બેન્ક પાસે હોય તો તેણે રિઝર્વ બેન્કને વ્યાજ ચુકવવું પડે છે. પરંતુ હાલમાં બેન્કોની દશા એવી થઈ છે કે બે હજારની નોટ જમા કરાવવાનું પ્રમાણ વધી ગયું છે. તેના કારણે હવે બેન્કોએ રિઝર્વ બેન્કને વ્યાજ ચુકવવું પડશે. બીજી તરફ ગ્રાહકો પોતાના ખાતામાં રકમ જમા કરાવે તેથી તેના પર પણ વ્યાજ ચુકવવું પડશે. આમ બેન્કોને બેવડો માર પડવાનું નક્કી છે. એક બેન્કની 15 લાખ રોકડ રાખવાની મર્યાદા છે અને તેની પાસે હાલમાં 75 લાખની રોકડ જમા થઈ ગઈ છે. ત્રીજી તરફ હાલમાં ધિરાણ એટલા મોટા પ્રમાણમાં થઈ રહ્યાં નથી કે બેન્કો બેવડું વ્યાજ ચુકવી શકે.
બે હજારની નોટના બદલામાં અન્ય નોટ પાછી આપવાની છે. પરંતુ બેન્કોની ફરિયાદ છે કે રિઝર્વ બેન્ક પુરતી માત્રામાં કેશ આપતી નથી. લોકો હવે રૂ.500ની નોટ લેતા પણ ડરી રહ્યાં છે કે ક્યાંક સરકાર રૂ.500ની નોટ બંધ કરી દે તો ? આ ડરથી લોકો માત્ર રૂ.100 અને રૂ.200ની નોટ જ માગી રહ્યાં છે. રિઝર્વ બેન્ક રૂ.10ની નોટ પુરતી માત્રામાં છાપતું નથી. રૂ.20 અને રૂ.50ની નોટની તંગી છે તેના કારણે બેન્કો નોટ કાઢે ક્યાંથી ? કેમ કે હાલમાં બેન્કોમાં બે હજારની નોટ જ વધુ પ્રમાણમાં આવી રહી છે. બેન્કો રિઝર્વ બેન્ક પાસે રોકડની ગાડી સવારે મંગાવી હોય તો છેક સાંજે ચાર વાગ્યે આવે છે. તેના કારણે બેન્કો નોટ બદલવા આવતા લોકોને સમયસર છૂટા રૂપિયા આપી શકતી નથી.