- ભાડા કરાર ખોટો હશે તો નોટરીનું નિવેદન લેવાશે
- એક-બે માસમાં કરોડોના બિલ બનાવનાર સામે તપાસ
- સ્પોટ વિઝિટની કાર્યવાહી 24 કલાકમાં પૂર્ણ કરી બોગસ પેઢી તાત્કાલિક બંધ કરવામાં આવશે
જીએસટી બોગસ બિલીંગ કૌભાંડને અટકાવવા માટે કાગળ પર ચાલતી પેઢી શોધવા માટે આજથી મેગા ઝુંબેશ જીએસટી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. તપાસમાં બોગસ પેઢી મળી આવશે તો 24 કલાકમાં જ તેનો રિપોર્ટ કરીને તાત્કાલિક નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવશે. જ્યારે બોગસ પેઢીમાં નંબર લેતી વખતે રજૂ કરવામાં આવેલા ભાડા કરારમાં નોટરીનું પણ નિવેદન લેવામાં આવનાર છે.
16 મે થી 15 જુલાઇ સુધી જીએસટી વિભાગ દ્વારા બોગસ પેઢી શોધવા દેશવ્યાપી ઝૂંબેશ શરુ કરવાની છે. તેમાં એકાદ બે મહિનામાં કરોડો રુપિયાના બિલ બનાવવામાં આવ્યા હોય તેની તપાસ કરાશે. ઉપરાંત જે પણ સ્થળની તપાસ કરવામાં આવે તેમાં જીએસટી નંબર લેવા માટે ભાડા કરાર રજૂ કરવામાં આવ્યા હોય તેવા યુનિટની ખાસ તપાસ કરવામાં આવનાર છે. કારણ કે ભાડા કરારના આધારે એકથી વધુ જીએસટી નંબર લેવાયાની શકયતા સૌથી વધુ રહેલી છે. આવા સ્થળ પર વેપાર કરવામાં આવે છે કે નહીં તે માટે આસપાસના લોકોના નિવેદન પણ લેવામાં આવશે. જ્યારે ભાડા કરારના આધારે નંબર લેવામાં આવ્યો હોય અને તે પેઢી બોગસ હોય તેવા કિસ્સામાં નોટરી કરનારનું પણ નિવેદન લેવામાં આવશે. કારણ કે નોટરીમાં કોના ફોટા મુકવામાં આવ્યા, કોની સહી કરવામાં આવી તે સહિતની જાણકારી એકત્ર કરીને બોગસ પેઢી ઉભી કરનાર સામે મજબૂત પુરાવા એકત્ર કરવાની પણ ઝૂંબેશ આ અભિયાન હેઠળ કરવામાં આવશે.